________________
શ્રી ચૈત્યવંદનની વિધિ
૩૦૩
૭. પછી એક ખમાસમણ દઈને, “જાવંત કે વિ સાહૂ સૂત્ર બોલવું.
ત્યારપછી એક ખમાસમણ દઈને મુક્તાશુક્તિ મુદ્રામાં હાથને સ્થાપન કરી “જાવંત-કેવિ સાહૂ’ સૂત્ર બોલવું. આ સૂત્ર પણ એ રીતે બોલવું જોઈએ કે, શ્રેષ્ઠ સાધુભગવંતો અને તેઓ દ્વારા થતી પ્રભુવચનના પાલન સ્વરૂપ શ્રેષ્ઠભક્તિ સ્મૃતિમાં આવે અને તેવી ભક્તિ કરવા મન ઉલ્લસિત થાય.
૭. ત્યાર બાદ “નમોડર્ડ' સૂત્ર બોલી ઉવસગ્ગહર સ્તોત્ર કે કોઈ ભાવવાહી સ્તવન મધુર સ્વરથી ગાવું.
સર્વ સાધુઓને વંદન કરી પરમાત્માના ગુણોને અને તેમના ઉપકારને સ્મૃતિમાં લાવવા તથા પોતાના દોષોનું ઉલ્કાવન કરવા માટે સ્વરચિત અથવા પૂર્વ પુરુષોની રચનારૂપ પ્રચલિત ભાષામાં બનાવેલું સ્તવન ગાવું.
સ્તવન એટલે ગેયરૂપ કૃતિ - આ કૃતિ પોતપોતાની ભાવના અનુસાર બનાવી ગાઈ શકાય છે. પોતાની તે શક્તિ ન હોય તો, પૂર્વ પુરુષોએ પોતાની ભાવનાને વ્યક્ત કરતી જે કૃતિ બનાવેલી હોય તેમાંથી જે કૃતિ પોતાના ભાવોલ્લાસની વૃદ્ધિ થાય તેવી લાગે તે એકાગ્ર મને, ગંભીર સ્વરે, મધુર કંઠે ગાવી. સ્તવન ગાવાની આ ક્રિયા પણ અત્યંત ભાવોલ્લાસનું કારણ બની શકે તેવી છે. કેમ કે તે ગુજરાતી આદિ પ્રચલિત ભાષામાં બનેલા હોય છે, તેના ભાવો સમજવા સહેલા હોય છે અને સ્તવનની ગમતી તે તે પંક્તિઓને વારંવાર દોહરાવી પણ શકાય છે, માટે સામાન્ય જન માટે આ સ્તવનો ઘણા ઉપકારક બને છે. ૮. પછી જયવીયરાય સૂત્ર બોલવું.
સ્તવન ગાવા સુધીની ક્રિયા કરતાં સાધકનું મન પરમાત્મા સાથે એકમેક થઈ જાય છે. હવે તેને પરમાત્મા પોતાની ખૂબ નજીક હોય, પોતાના પ્રિય સ્વજન હોય, પોતાના કાર્યના સાધક હોય તેવું લાગે છે. આથી જ પ્રભુને મેળવવાના માર્ગરૂપે પ્રભુ પાસે તેર માંગણી સ્વરૂપ જયવીયરાય સૂત્ર બોલે છે. પ્રભુને પ્રાર્થના કરવાનું આ સૂત્ર, અત્યંત સંવેગભાવથી ભરેલા હૃદયથી, મનના પ્રણિધાનપૂર્વક, હાથને મુક્તાશક્તિ મુદ્રામાં સ્થાપીને, આપણે પ્રભુ પાસે કાંઈક માંગીએ છીએ અને તેમના અનુગ્રહથી આપણે કાંઈક મેળવીએ છીએ, તેવા ભાવપૂર્વક બોલવાનું છે.