________________
શ્રી કલ્યાણ-કંદં સૂત્ર
૨૨૫
ઔદાર્ય, દાક્ષિણ્ય, ગાંભીર્ય, સહિષ્ણુતા, નમ્રતા વગેરેને ગુણો ચોક્કસ છે; પરંતુ આ ગુણોનો ઉપયોગ આધ્યાત્મક સુખ મેળવવા માટે જેમ થાય છે તેમ ભૌતિક સુખ મેળવવા માટે પણ થઈ શકે છે. દા.ત. સંસારને સારો રાખવા સહનશીલતા કેળવાવી જોઈએ. ભોગની ભૂખ પૂરી કરવા નમ્રતા ઉપયોગી બને છે, માનમોભાને વધારવાની લાલસા છીપાવવા ઔદાર્ય આદિની જરૂર પડે છે. ધંધો વિકસાવવા પ્રામાણિકતા જરૂરી બની રહે છે. તો વળી, સંયુક્ત કુટુંબની મોજ માણવા ગંભીરતા આદિ આવશ્યક બની જાય છે. આવા સાંસારિક કાર્યો સર કરવા માટે વિકસાવાયેલા ગુણો પરંપરાએ તો કષાયની પુષ્ટી અને સંસારની વૃદ્ધિમાં જ પરિણમે છે માટે તેને સુગુણો નથી કહેવાતા.
પરંતુ સાધકને જ્યારે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણી તેનાથી છૂટવાનું મન થાય છે અને તે માટે તે જે ગુણો વિકસાવે છે. જે ગુણોથી તેને આત્મિક આનંદની અનુભૂતિ થાય છે અને પૌદ્ગલિક સુખથી છૂટવાનું મન થાય છે તે ગુણો ગુણ કહેવાય છે. આવા ગુણોથી સંસારનો ઉચ્છેદ શક્ય બને છે. પ્રભુના ક્ષમા ઔદાર્યાદિ સર્વ ગુણો આવા સુગુણ હતા તે ગુણોના મૂળમાં ભવનિર્વેદ હતો માટે અહીં “ગુણ' શબ્દ ન વાપરતાં “સુગુણ' શબ્દ વાપર્યો છે.
અધિકૃત જિનની સ્તવના કરીને હવે ચોવીશ જિનની સ્તવના કરતાં કહે છે -
પાર-સંસાર-સમુદ-પાર પત્તા - અપાર એવા સંસાર સમુદ્રના પારને પામેલા. (સર્વે જિનેન્દ્રો મને મોક્ષ સુખ આપો.)
સમુદ્રમાં જેમ પાણીનો પાર નથી તેમ વિષય કષાયને આધીન થયેલા જીવોનો આ સંસારમાં જન્મ-મરણથી ક્યારેય પાર આવતો નથી. માટે સ્તુતિકારે સંસારને સાગર સાથે સરખાવ્યો છે. અરિહંત પરમાત્મા આ સંસારના સ્વરૂપને યથાર્થરૂપે જાણે છે, જાણીને તેઓ તેનાથી વિરક્ત બને છે અને કષાયથી મુક્ત થઈ અપાર એવા આ સંસારના પણ પારને પામી જાય છે. એટલે કે, સાધના દ્વારા કર્મના બંધનોને તોડી, જન્મ મરણની જંજીરનો નાશ કરી પરમસુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે છે અને અનેકને મોક્ષમાં જવાનો સાચો રાહ પણ બતાવે છે.
રાગાદિને વશ પડેલા આપણે, આ સંસારમાં અનંતકાળથી અટવાઈએ છીએ. જ્યારે મહાસાત્ત્વિક તીર્થકરના આત્માઓ રાગાદિનાં બંધનો તોડી સંસારનો પાર પામી ગયા છે. આ સ્વરૂપે પરમાત્માને સ્મૃતિમાં લાવવાથી