________________
જયવીયરાય સૂત્ર
૧૯૩
ધર્મોમાં પ્રધાન એવું શ્રીજિનશાસન ત્રણે લોકમાં વિજયવંતું વર્તે છે.
જૈનધર્મ સર્વમંગલમાં શ્રેષ્ઠ મંગલ છે. કેમ કે, જગતનાં (લૌકિક) મંગલો જીવને કંઈક અંશે જ મંગલરૂપ બને છે. જ્યારે જૈનશાસન એટલે ભગવાનની આજ્ઞા, (લોકોત્તર-ભાવમંગલ) સર્વાંશે જીવને માટે મંગલરૂપ બને છે. જે કાર્યમાં ભગવાનની આજ્ઞા ભળે છે, તે કાર્ય ચોક્કસ મંગલરૂપ બન્યા વિના રહેતું નથી અને સારું કામ પણ આજ્ઞાના અભાવમાં મંગલરૂપ બની શકતું નથી.
જૈનધર્મ સર્વ કલ્યાણનું કારણ છે. કલ્ય સુખ અને તેને આપે તે કલ્યાણ. સંસારનાં સર્વશ્રેષ્ઠ સુખો પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળે છે અને આ પુણ્ય પરમાત્માની આજ્ઞાના પાલનથી બંધાય છે. તેથી અનુત્તર કે રૈવેયકમાં પ્રાપ્ત થનારા દૈવિક સુખો કે શાલિભદ્ર જેવા માનવીય સુખો અને અંતે મોક્ષરૂપ મહાસુખની પ્રાપ્તિ પણ જૈનશાસનની આરાધનાથી જ થાય છે, તેથી જૈનશાસન સર્વકલ્યાણનું કારણ છે. .
જૈનધર્મ સર્વ ધર્મમાં પ્રધાન ધર્મ છે, કેમકે, - દુનિયામાં ધર્મો તો ઘણા છે અને તે સર્વ ધર્મો દુઃખનાશ અને સુખપ્રાપ્તિનો ઉપાય તો બતાવે છે, પરંતુ અત્યંત સૂક્ષ્મ રીતે અને પરિપૂર્ણ સુખનો માર્ગ તો જૈનશાસન જ બતાવી શકે છે, વળી જૈનશાસન સ્યાદ્વાદને સ્વીકારે છે. તેથી સર્વધર્મનો સમાવેશ પોતાનામાં કરી શકે છે. જ્યારે અન્ય ધર્મો વસ્તુતત્ત્વને એકાંતે સ્વીકારનારા છે, તેથી તે ધર્મમાં બીજાનો સમાવેશ થઈ શકતો નથી, તે કારણથી પણ જૈનધર્મ જ સર્વથી શ્રેષ્ઠ છે.
આવું જૈનશાસન જયવંતુ વર્તે અર્થાત્ તેનો જયજયકાર થાઓ ! જૈનશાસન પ્રત્યેની અત્યંત ભક્તિને વ્યક્ત કરતાં સાધક અંતે કહે છે,
“આવું જૈનશાસન અત્યંત વિસ્તાર પામો ! ઘણા આત્માઓમાં આ જૈનશાસન પ્રતિષ્ઠિત થાઓ ! અથવા આ
જિનની આજ્ઞા મારા હૃદયમાં હંમેશા રહો.” પોતાના આત્મામાં જેને શાસન પ્રત્યે અનુરાગ પેદા થયો હોય, શાસનની કલ્યાણકારિતા પ્રતિષ્ઠિત થયેલી હોય, તે જ આત્મા બીજાના આત્મામાં પણ એની પ્રતિષ્ઠા ઈચ્છે, એનો જગતમાં વિસ્તાર ઝંખે...
13. મંગલની વ્યાખ્યા “નવકાર સૂત્ર'માંથી જોવી.