________________
જયવીયરાય સૂત્ર
૧૮૩
સુખ સગવડતાની ઈચ્છાથી કે અન્ય કોઈ સંસારી આશંસાથી યોગ થાય તેને કુયોગ કે વંચક યોગ કહેવાય છે. આત્માને ઠગનારો, આત્માનું અહિત કરનારો સંબંધ એટલે વંચક-યોગ. ગુણવાન આત્મા સાથે પણ સ્વાર્થના કારણે સગવડતા માટે, રોગ નિવારણાર્થે કે માનાદિ કષાયના પોષણ માટે જે સંબંધ બંધાય છે તે આત્માનું અહિત કરનારો હોવાથી તેને વંચક-યોગ કહેવાય છે.
અનાદિ કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં કદાચ આપણને અનંતીવાર તીર્થકર જેવા શ્રેષ્ઠ ગુરુ મળ્યા હશે, પરંતુ તેઓની સાથે પણ તુચ્છ આશયોથી જોડાણ કર્યું હોવાના કારણે આવા વંચક-યોગને કારણે શ્રેષ્ઠ ગુરુ મળ્યા હોવા છતાંય આપણું ઠેકાણું નથી પડ્યું. ઘણીવાર તો આવા સંબંધને કારણે ભવભ્રમણ અટકવાને બદલે વધી પણ જાય છે. જેમ કોઈ અજ્ઞાની સોનાના બદલે પિત્તળ કે રત્નના બદલે કાચના ટૂકડા મેળવી ઠગાય છે, તેમ આવા સંબંધ બાંધનારા જીવો પણ આત્મહિતકર સદ્ગુરુનો યોગ થવા છતાં સાંસારિક ભાવોથી ઠગાય છે. ગુણરત્નોની પ્રાપ્તિ થાય તેવા સ્થાનથી પણ સ્વઈચ્છાની કે તુચ્છ ઇચ્છાની પૂર્તિ કરી સંતોષ માને છે. આથી જ તેને માટે આ યોગ વંચકયોગ બને છે.
જે સંબંધ આત્માનું હિત કરનારો, સન્માર્ગમાં પ્રેરક અને પૂરક બનનારો, રાગાદિ ભાવોથી વેગળા રાખી વૈરાગ્યાદિ ભાવોની વૃદ્ધિ કરનારો હોય છે તેને સુયોગ અથવા અવંચક-યોગ કહેવાય છે.
ગુણવાન ગુરુ સાથે આવો સંબંધ જોડાય તો જરૂર આત્માનું હિત થાય છે. ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ દ્વારા આત્માનો વિકાસ થાય છે. સુગુરુ સાથેનો આવો સુયોગ્ય સંબંધ જ છેક મોક્ષ સુધી પહોચાડી શકે છે, પરંતુ સંસાર પોષક કોઈપણ ભાવનાથી થએલો સંબંધ મોક્ષ સુધી પહોંચાડી શકતો નથી. જેમ અત્યંત રોગીને પથ્ય વસ્તુ પણ ગુણકારી થતી નથી. તેમ સંસારના અતિરસિયા ભારે કર્મી જીવોને સદ્ગુરુનો યોગ પણ ગુણકારી થતો નથી માટે જ સુગુરુ સાથે સુયોગ કરવા ભવનિર્વેદ આદિ ગુણો પ્રાપ્ત કરવા ખાસ જરૂરી છે.
ભવનિર્વેદ આદિ ગુણોનો આત્મામાં જેમ જેમ વિકાસ થતો જાય છે, તેમ તેમ આત્માને હિતમાર્ગમાં જોડનાર ગુરુની સાચી ઓળખાણ થાય છે, આત્મહિતનો માર્ગ બતાવનાર ગુરુ ઉપકારક લાગે છે, મોક્ષસાધક તેમનાં વચનો સાંભળવાનું મન થાય છે, તેમનાં વચન ઉપર વિશ્વાસ બેસે છે. “આ જ પરમ હિતને કરનાર છે, સન્માર્ગદર્શક આ જ ગુરુ છે,' તેવું બુદ્ધિમાં સ્થિર થાય