________________
તમોત્યુ સૂત્ર
૧૨૩
સ્વભાવવાળું છે તેના રૂંવાટે રૂંવાટે રોગો ભરેલા છે. ક્યારે કયો રોગ ટપકી પડે ખબર પડતી નથી. સિદ્ધના જીવોને સુખ માણવા શરીર કે મનની ક્યારેય જરૂર પડતી નથી. અનંત શક્તિના સ્વામી તેઓ કોઈની સહાય વિના સદા અનંતા આનંદને માણી રહ્યા છે. શરીર આદિના સંગ વિનાના હોવાથી જ સિદ્ધના જીવો અરુજ એટલે કે, રોગ વિનાના હોય છે. આથી જ સિદ્ધિગતિ પણ અરુજ કહેવાય છે.
देह मनोवृत्तिभ्यां भवति शारीर मानसेदुःखे ।
तदभावे तदभावं सिद्धं सिद्धस्य सिद्धी सुखं ।। - પ્રશમરતિ અરુજ – કોઈ સ્થાન જો સુખદાયક હોય તો ત્યાં રહેવા મળ્યા પછી ત્યાંથી કોઈને ખસવાનું મન નથી થતું. પરંતુ સંસારમાં એવું કોઈ સ્થાન જ નથી જ્યાં સદા માટે સ્થિર થઈ શકાય. કોઈ પણ સ્થાનથી મન હોય કે ન હોય ખસવું જ પડે છે. બાહ્ય રીતે પણ ખસવું પડે છે અને અંતરંગ ભાવોમાં પણ સ્થિર રહી શકાતું નથી મનના ભાવો પણ સતત ફરતા રહે છે. સિદ્ધિગતિ એક જ એવું સ્થાન છે જ્યાં સુખનો પાર નથી અપાર આનંદ છે અને વળી આ સ્થાનથી બાહ્ય કે અંતરંગ રીતે ક્યારેય ખસવાનું નથી. માટે જ સિદ્ધિગતિને અચલ કહેવાય છે.
અનંત - અનાદિકાળથી પ્રવર્તતા સંસારના સુખદ કે દુઃખદ સર્વ ભાવો અંતવાળા છે, જ્યારે સિદ્ધિગતિને પામેલા સર્વ આત્માઓના જ્ઞાનાદિ ગુણો અનંત છે, તેમને પ્રાપ્ત થયેલ અવ્યાબાધ સુખ અનંત છે અને તેમને અનંતકાળ સુધી ત્યાં જ રહેવાનું છે, માટે સિદ્ધિગતિ અનંત છે. અર્થાત્ આ ગતિનો ક્યારેય અંત નથી.
અક્ષય - સંસારનાં દેવી સુખો પણ ક્ષય પામવાવાળાં-નાશવંત છે. સદાસ્થાયી નથી, પરંતુ સિદ્ધિગતિ એ આત્માની શુદ્ધ અવસ્થાસ્વરૂપ છે. સ્વભાવભૂત આ અવસ્થાની પ્રાપ્તિ થયા પછી તેનો કોઈ રીતે ક્ષય થતો નથી, માટે તે અક્ષય છે. અહીં સ્થિતિનો નાશ નથી.
અવ્યાબાધ - શરીર અને કર્મ સાથે આત્મા જ્યાં સુધી જોડાયેલો છે, ત્યાં સુધી કર્મના કારણે શારીરિક અને માનસિક અનેક પ્રકારની પીડાઓ સતત થતી રહે છે, પરંતુ સિદ્ધિગતિમાં પીડા કરનાર શરીર, મન કે કર્મ કશું જ નથી, માત્ર અમૂર્ત આત્મા છે. અમૂર્તપણું હોવાથી જ ત્યાં કોઈ બાધા હોતી નથી.