________________
૧૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જ એ શક્તિને દિવસાનુદિવસ ઊતરતા પ્રકારની બનવામાં નિમિત્ત થતા રહ્યા છે. વિદ્યાર્થીઓ આ બાબત પોતાનો સ્પષ્ટ મત કેળવી આગેવાનો ઉપર દબાણ લાવે તો એમાં એમનું અને બીજાનું પણ ભલું છે, શ્રેય છે.
અભ્યાસને માંગળિક અને તપોરૂપ બનાવવો હોય તો એની એક રીત એ પણ છે કે પોતાના વિષયમાં જેઓ આગળ વધેલા હોય તેમની સાથે ચર્ચા કરવી, તેમના સંપર્કમાં રહેવું અને કાંઈક નવું શીખવું, તેમજ જેઓ પોતાનાથી નીચલી કક્ષાના હોય તેમને શીખવતા પણ રહેવું અને વર્ગના સમય ઉપરાંત પોતાના અધ્યાપકોને પણ પૂરા કસવા. અમુક સમયને અંતરે સહપાઠી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મળી પોતપોતાના વિષય પરત્વે ખૂબ છૂટથી પણ અધ્યયનપૂર્વક મૌખિક અને લેખિત ચર્ચા કરવી. આ એક સંભૂયસંવાદ છે જેને આજે Debate' તરીકે ઓળખાવવામાં આવે છે. આ પ્રથા હજારો વર્ષની જૂની છે. એને જ લીધે અનેક વિષયનાં અનેક શાસ્ત્રો રચાયાં છે, ને તે સર્વત્ર આદરપાત્ર બનતાં આવ્યાં છે.
પૂરા સત્રકાળ દરમિયાન તેમજ આખા વર્ષ દરમિયાન આપણું અધ્યયન માંગળિક નીવડે તે માટે છેલ્લો એક જ મુદ્દો હવે મારે કહેવાનો છે, અને તે એ કે ગીતાના સંદેશ તરફ આપ સૌનું ધ્યાન ખેંચવું. ગીતા એ ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે કાળમાં ગમે તે સમ્પ્રવૃત્તિ કરનારને પુરુષાર્થમાં પ્રેરનારું એક અનુપમ પ્રતીક છે. આપણું એટલે અધ્યેતા અને અધ્યાપકોનું ધર્મક્ષેત્ર તે તો વિદ્યાક્ષેત્ર જ છે. એ ક્ષેત્રમાં પ્રવૃત્ત પણ ઢીલુંપોચું થયેલું, સંદેહશીલ તેમજ મુખ્ય ધ્યેયથી સહેજ પણ ફંટાતું મન એ જ અર્જુન છે અને અંદરનો જાગતો, વિવેકી અંતરાત્મા એ કૃષ્ણ છે. તે અર્જુનને નિષ્ઠાવાન થવા, વિવેક કેળવવા, તેમજ અપ્રમત્ત બની ધ્યેય ભણી આગળ વધવા સંકેત કરે છે. આપણે સૌ એ સંકેતનો અર્થ જેટલા પ્રમાણમાં વધારે સમજીએ તેટલા પ્રમાણમાં સૌનું મંગળ છે.
તા. ૧૧-૯-૪રને રોજ ભો. જે. વિદ્યાભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આગળ કરેલું પ્રવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org