________________
૬૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિશ્વમાં થયેલ ધર્મદષ્ટિના વિકાસનું સર્વોપરી સોપાન હોય એમ જણાયા વિના રહેતું નથી.
ગાંધીજીએ સકામ ધર્મદષ્ટિને તો સ્થાન આપ્યું જ નથી, પણ અકામ ધર્મદ્રષ્ટિનો ખરો ભાવ સમજી, જીવનમાં જીવી, લોકો સમક્ષ મૂક્યો છે. ગાંધીજી ઇચ્છા અને તૃષ્ણા એ બે વચ્ચેનું અંતર બરાબર સમજ્યા હોય તે રીતે વિચારે છે અને વર્તે છે. જયાં ચૈતન્ય હોય ત્યાં જ્ઞાન અને સમજણ હોવાનાં જ. સવિવેક કેળવવો એ જ જ્ઞાનની શુદ્ધિ છે. એવા વિવેક વિનાનું જ્ઞાન બંધન છે. આવું જ્ઞાન બંધન બને તેથી એ જ્ઞાનનાં દ્વારો બંધ કરવાના ઉપાયો એ ખરો વિકાસ નથી. ખરો વિકાસ વિવેક કેળવી, જ્ઞાનની શુદ્ધિ કરી, તેનો ઉપયોગ કરવામાં છે. તે જ રીતે કામના એ પણ ચેતનાનો ગુણ છે. એ કામનાને પોતાપૂરતી મર્યાદિત કરવી, સ્થૂલ વસ્તુઓમાં બાંધી રાખવી, તેમજ અન્યને ભિન્ન ગણી એને પોષવી એનું નામ તૃષ્ણા. જ્યારે એ કામના પોતાના ભલાની પેઠે બીજાનું પણ ભલું કરવાની દિશામાં વળે અને વિસ્તરે ત્યારે એને કોઈ વિપક્ષ કે દ્વેષની છાયા સ્પર્શતી જ નથી, અને તેથી તે વ્યાપક મૈત્રી બની રહે છે. કામનામાંથી તૃષ્ણાનું ઝેર દૂર થયું એટલે તે શુદ્ધ ઇચ્છા મૈત્રીરૂપ બની રહે છે. આ જીવાત્માનો સ્વયંભૂ સદ્ગુણ છે.
ગાંધીજીએ તૃષ્ણાનું ઝેર ઓછું કર્યું. પણ ઈચ્છા કે કામનાને દબાવવા યા નિર્મળ કરવા પ્રયત્ન ન કર્યો, ઊલટું, એના શુદ્ધીકરણના પાયા ઉપર સત્ય, અહિંસા આદિ અનેક પ્રવર્તક અને નિવર્તક ધર્મો વિકસાવ્યા. આનું જ નામ ગીતાની ભાષામાં “ધર્માવિરુદ્ધ કામ.”
તેથી જ આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ સૌને પરિચિત એવાં વ્રતો, મહાવ્રતોના અર્થનો, સર્વહિતની દૃષ્ટિએ દરેક ક્ષેત્રમાં લાગુ પડે એવો, કેટલો સૂક્ષ્મ અર્થ વિકસાવ્યો છે. ધર્મદષ્ટિના ઊર્તીકરણમાં તેમનો આ મહાન ફાળો છે, જેની સાક્ષી તેમના વ્રતવિચારો અને તેમણે શરૂ કરેલી પ્રવૃત્તિઓ આપે છે.
ગાંધીજી નથી, પણ તેમની સંસ્કારમૂર્તિ નવે રૂપે ઉદયમાં આવી છે. અપરિગ્રહવ્રત હજારો વર્ષ જેટલું જૂનું. તેનાથી સૌ પરિચિત અને લાખો લોકો તેને ધારણ પણ કર્યો આવતા. પરંતુ ભૂદાનના સ્થૂલ પ્રતીક દ્વારા એનો જે અર્થવિકાસ વિનોબાજીએ કર્યો છે તે ધર્મદષ્ટિના ઊધ્ધકરણમાં એક મોટી ફાળ છે. આમાં પણ કામના અને ઈચ્છાનું શુદ્ધીકરણ તેમજ સર્વસાધારણીકરણ છે. એમાં મૂચ્છરૂપે કામનો ત્યાગ છે, સર્વકલ્યાણ સાધવાની વ્યાપક ધર્મદષ્ટિએ કામનાનો સ્વીકાર છે. આ રીતે આપણે ધર્મદષ્ટિના ઊર્વીકરણના એક જાતના યુગમાં જીવી રહ્યા છીએ અને આવા ઊર્તીકરણને પ્રત્યક્ષ સમજવાની સાંવત્સરિક પર્વની ઘડીમાં શ્વાસોચ્છવાસ લઈ રહ્યા છીએ.
– પ્રબુદ્ધજીવન, ઓક્ટોબર ૫૫. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International