________________
શાસ્ત્રમર્યાદ - ૧૧૩ છે એ સ્પષ્ટ જણાશે. આ ફે૨ કાંઈ એકાએક પડ્યો નથી કે વગર વાંધે અને વગર વિરોધે વિકાસક્રમમાં સ્થાન પામ્યો નથી, પણ એ ફેર પડવામાં જેમ સમય લાગ્યો છે તેમ એ ફેરવાળા થરોને સ્થાન પામવામાં ઘણી અથડામણ પણ સહવી પડી છે. નવા વિચારકો અને સર્જકો પોતાની ભાવનાના હથોડા વડે જૂના શબ્દોની એરણ ઉ૫૨ જૂના લોકોના માનસને નવો ઘાટ આપે છે. હથોડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. આ નવા જૂનાની કાળચક્કીનાં પૈડાંઓ નવનવું દળ્યે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે.
વર્તમાનયુગ
આ જમાનામાં ઝપાટાબંધ ઘણી ભાવનાઓ અને વિચારણાઓ નવા જ રૂપમાં આપણી આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ, પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં ત્વરાબંધ નવી ભાવનાઓ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના જ તેને સ્વીકારનારો મંદબુદ્ધિ વર્ગ હોય છે, જ્યારે બીજી બાજુએ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે ખોટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળો પણ વર્ગ નાનોસૂનો નથી. આ સંયોગોમાં શું થવું જોઈએ અને શું થયું છે સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે. સર્જકો અને રક્ષકો મનુષ્યજાતિનાં નૈસર્ગિક ફળો છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે નહિ. નવા-જૂના વચ્ચેનું દ્વંદ્વ એ સત્યના આવિર્ભાવનું અને તેને ટકાવવાનું અનિવાર્ય અંગ છે; એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું ? અને આવું શાસ્ત્ર તે કયું ? એ બે મુદ્દાઓ દૃષ્ટિના વિકાસ માટે અથવા એમ કહો કે નવા-જૂનાની અથડામણીના દધિમંથનમાંથી આપોઆપ તરી આવતા માખણને ઓળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચ્યા છે. આ ચાર મુદ્દાઓ તો અત્યારના યુગની વિચારણાઓ અને ભાવનાઓ સમજવા માટે પ્રસ્તાવના જેવા છે. ત્યારે હવે ટૂંકમાં જોઈએ, અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ, કે તેની સામે આજે કઈ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યાઓ ખડી થઈ છે અને તેનો ઉકેલ શક્ય છે કે નહિ અને શક્ય હોય તો તે કઈ રીતે શક્ય છે ?
૧. માત્ર કુળપરંપરાથી કહેવાતા જૈન માટે નહિ, પણ જેનામાં જૈનપણું ગુણથી થોડુંઘણું આવ્યું હોય તો તેને માટે સુધ્ધાં પ્રશ્ન એ છે કે તેવો માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લે યા નહિ અને લે તો કઈ રીતે લે ? કારણ કે, તેવા માણસને વળી રાષ્ટ્ર એ શું, અને રાજકીય પ્રકરણ એ શું ? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તો સ્વાર્થ તેમજ સંકુચિત ભાવનાનું ફળ છે, અને ખરું જૈનત્વ એ તો એની પરની વસ્તુ છે; એટલે ગુણથી જે જૈન હોય તે રાષ્ટ્રીય કાર્યો અને રાજકીય ચળવળોમાં પડે છે કે નહિ ? એ અત્યારના જૈન સમાજનો પેચીદો સવાલ છે – ગૂઢ પ્રશ્ન છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org