________________
૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે. આજે એની ચોમેર ઉજવણી થાય છે, એનાં ગુણગાન ગવાય છે, પણ અહીં જોવાનું એ છે કે શું એનો પાયો ખરેખર નક્કર છે?
મૂડીવાદીઓની દૃષ્ટિ અને હિલચાલ, થોડાક અપવાદો બાદ કરતાં નાનામોટા અમલદારોની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ, કામ કરવાની મંદતા અને અંગત લાભની મુખ્ય દૃષ્ટિ તેમજ જુદા જુદા દરજ્જાના વ્યાપારીઓની માત્ર અંગત લાભની દૃષ્ટિએ વિદેશી વસ્તુઓના દલાલ બનવાની જૂની કુટેવ અને છેલ્લે છેલ્લે કેળવણીના ક્ષેત્રમાં કામ કરતા તેમજ લોકમત કેળવવા પત્રો ચલાવતા એવા ભણેલગણેલ ગણાતા વર્ગની માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી મુખ્ય પ્રવૃત્તિ – એ બધું જ્યારે વિચારું છું અને તેના મળતા પુરાવાઓ યથાશક્તિ તપાસું છું ત્યારે મારી ટૂંકી અને સાદી સમજણને એ ચોક્કસ લાગે છે કે લોકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે, તેના ઉત્સવો ઊજવાય છે, તેનાં ગાણાં ગવાય છે, પણ ખાટલે મોટી ખોટ કે નક્કર અને મજબૂત પાયો જ નથી. એટલે ઉદ્યોગપતિઓ, અમલદારો, મધ્યવર્તી દલાલો, સંસ્કારી અને ભણેલગણેલ ગણાતા ત્યાગીઓ, પંડિતો અને વિદ્વાનો – એ બધા મુખ્યપણે લોકરાજ્યને ઉપકારક થાય ને તેના પાયા મજબૂત બને એવી સમષ્ટિહિતની દૃષ્ટિએ કામ કરતા નથી અને તેથી જ દાદાભાઈની કે ગાંધીજીની સ્વરાજ્ય મળ્યા પછી પ્રજાની આબાદીની ભવિષ્યવાણી હજી સાચી પડી નથી.
મિ. બેવાન સાચું જ કહે છે કે સાચું લોકતંત્ર, ગરીબી અને સંપત્તિ એ ત્રણ સાથે સાથે રહી ન શકે. લોકતંત્ર, એના ખરા અર્થમાં હોય તો, સંપત્તિ અને ગરીબીનો ભેદ ભૂંસાવો જ જોઈએ, અને જો એ ભેદ કોઈ પણ અર્થમાં ચાલુ રહે તો લોકતંત્ર એ માત્ર નામનું જ હોય.
મહાત્માજીએ અહિંસક રાજ્યતંત્રનું સ્વપ્ન જોયું. તેનો પણ ખરો અર્થ એ જ છે કે જો એવું રાજ્યતંત્ર ઈષ્ટ હોય તો ગરીબી અને તવંગરી બન્નેનું સહ-અસ્તિત્વ પ્રજામાં રહી ન શકે. શ્રી વિનોબા ભાવે ખરી રીતે એ જ સૂત્રની દિશામાં આગળ વધી રહ્યા છે અને ગીતાની સમત્વભાવના રાજ્યતંત્રમાં મૂર્ત થયેલી જોવા, ગરીબી તેમજ તવંગરીનું મહદ્ અંતર મિટાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
- સંસ્કૃતિ, જાન્યુઆરી ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org