________________
૧૪૬ , સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેક ક્ષેત્રમાં અને પ્રત્યેક સમાજમાં કે દેશમાં સામાન્ય રીતે કામ કરતો દેખાય છે. તેથી જ ઊંચનીચનો ભેદ, ગરીબ-તવંગરનો ભેદ, અભણ-ભણેલનો ભેદ જેવા ભેદો એક વર્ગને કચરી નાખે છે તો તે બીજા વર્ગને કાંઈક રાહત આપતા દેખાય છે. આ એક ચાલી આવતી લાંબા કાળની વિષમતા છે, ને તેનો ઉકેલ મુશ્કેલ લાગે છે. આવી વિષમતા ગમે તેટલી જૂની-પુરાણી હોય તોય તે નાબૂદ કરી શકાય અગર ઓછી કરી શકાય કે નહિ એ પ્રશ્ન છે. એનો ઉત્તર સત્યબળમાંથી મળે છે.
સત્તા ને સત્ય બંને સતુ-હસ્તી સાથે સંબંધ ધરાવે છે, પણ બંનેમાં ફેર હોય તો તે એ છે કે સત્તા પોતાથી નબળા ઉપર કાબૂ જમાવવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે, ત્યારે સત્ય પોતાથી નબળા કે સબળા બંને પ્રત્યે સમાન રહેવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે. જ્યારે નબળા પ્રત્યે સમાન રહેવાની વૃત્તિ પ્રગટે છે ત્યારે એનો અર્થ એટલો જ કે નબળાને પોતાની ઊંચી સપાટી ઉપર આણી પોતાની સમકક્ષ બનાવવા સત્ય માણસને પ્રેરે છે. જ્યારે સબળા પ્રત્યે સમાન રહેવા રૂપે સત્યની વૃત્તિ આવિર્ભાવ પામે છે ત્યારે તેનો અર્થ એટલો જ કે એવી વૃત્તિવાળો માણસ કોઈ પણ સબળને અણઘટતી રીતે વશ થતો નથી; ઊલટું તેને યોગ્ય રીતે સૌની સાથે સ્થાન અપાવે છે.
સત્તાબળ અમલદારને તુમાખી શીખવે છે, ધનિકને અતડો અને ગર્વિષ્ઠ બનાવે છે, પંડિતને મિથ્યાભિમાન અને બકવાદી પણ બનાવે છે; જ્યારે સત્યબળ અમલ, ધન અને પાંડિત્યના આશ્રયથી એવો કોઈ દોષ પોષતું નથી; ઊલટું એ અધિકાર, ધન, સૌન્દર્ય, વિદ્યા કે પાંડિત્ય જેવાં સાધનો દ્વારા માણસને સૌના લાભમાં કામ કરતો, અને તેથી ખરા અર્થમાં સ્વતંત્ર બનાવે છે. સત્તાબળ ધરાવનાર દેખીતી રીતે સ્વતંત્ર ગણાવા કે મનાવા છતાં ખરી રીતે અને અંતરથી પરતંત્ર જ હોય છે. એના મનમાં હંમેશાં બીજા તરફનો ભય રહે જ છે. જ્યારે સત્ય બળ ધરાવનારને કદી કોઈથી ડરવાપણું નથી; એટલે તેનો અંતરાત્મા તદ્દન મુક્ત રહે છે. આપણે આપણા જ જીવતરમાં આ વસ્તુ ગાંધીજીમાં જોઈ હતી અને અત્યારે વિનોબાજી જેવા સત્યનિષ્ઠમાં જોઈ પણ શકીએ છીએ.
ભારતે પ્રાપ્ત કરેલ સ્વતંત્રતા એ તો ખરી સ્વતંત્રતા સિદ્ધ કરવા માટેનું પ્રાથમિક વિબનિવારણ માત્ર છે. હવે જો સ્વતંત્રતા ઠીક ઠીક રીતે પચાવી સિદ્ધ કરવી હોય તો સમજીને કે ધક્કા ખાઈને છેવટે સત્તાબળથી મુક્ત થયે જ છૂટકો છે. એનાથી મુક્ત થવું એટલે અમલદારો કે સત્તાધારીઓએ પ્રજાના દરેકેદરેક વર્ગ પ્રત્યે વિનમ્રભાવે વર્તવું; ધનિકોએ ધનનું ગુમાન ને ધનની એકાંગી દૃષ્ટિ છોડી સૌના કલ્યાણમાં તેનો વિનિયોગ કરવો. ભણેલા અને વિદ્યાસંપન્ન એવા વર્ગે અભણ કે નિરક્ષરને સાચી સમજણ આપવામાં પોતાની સરસ્વતીનો ઉપયોગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org