________________
૧૮૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા ધ્યાનમાં રાખી આ સંગ્રહ પૈકી તે તે લેખ સમજાવવામાં આવે તો હું માનું છું કે તેમની જ માતૃભાષામાં તત્ત્વ અને ધર્મ વિશેની સાચી વ્યાપક સમજણ મળી રહે અને વારસાગત જમાનાજૂની ગ્રન્થિનો ભેદ પણ થવા પામે. વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને અધ્યાપકો માટે પણ આ સંગ્રહમાં એટલી બધી વિચાપ્રેરક અને જીવનપ્રદ સામગ્રી છે કે તેઓ આ પુસ્તક વાંચીને પોતાના સાક્ષરજીવનની માત્ર કૃતાર્થતા જ નહિ અનુભવે પણ વ્યાવહારિક, ધાર્મિક અને તાત્ત્વિક અનેક પ્રશ્નો પરત્વે તેઓ નવેસર વિચાર કરતા થશે, તેમજ સાક્ષરજીવનની પેલી પાર પણ કાંઈક પ્રજ્ઞાગ... વિશ્વ છે એવી પ્રતીતિથી વધારે વિનમ્ર અને વધારે શોધક થવા મથશે. વિદ્યાર્થી અને અધ્યાપક સિવાય પણ એવો બહુ મોટો વર્ગ છે, કે જે હમણાં તત્ત્વ અને ધર્મના પ્રશ્નો સમજવાનો ઊંડો રસ ધરાવતો હોય છે. આવા લોકો તત્ત્વ અને ધર્મને નામે મળતા ભળતા જ રૂઢિગત શિક્ષણ અને પ્રવાહમાં તણાતા રહે છે અને તેટલા માત્રથી સંતોષ અનુભવી પોતાની સમજણમાં ક્યાં ભૂલ છે, ક્યાં ક્યાં ગૂંચ છે અને ક્યાં ક્યાં વહેમનું રાજ્ય છે તે સમજવા પામતા નથી. તેવાઓને તો આ લેખો નેત્રાંજનશલાકાનું કામ આપશે એમ હું ચોક્કસ માનું છું. જુદી જુદી ભાષાઓમાં એક તેમજ અનેક ધર્મોનું અને એક સંપ્રદાય કે અનેક સંપ્રદાયના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપવામાં મદદ કરે એવાં અનેક પુસ્તકો છે, પણ મોટે ભાગે તે બધાં પ્રણાલિકાઓ અને માન્યતાઓનું વર્ણન કરતાં હોય છે. એવું ભાગ્યે જ કોઈ પુસ્તક જોવામાં આવશે, જેમાં આટલાં ઊંડાણ અને આટલી નિર્ભયતા તેમજ સત્યનિષ્ઠાથી તત્ત્વ અને ધર્મના પ્રશ્નો વિશે આવું પરીક્ષણ અને સંશોધન થયું હોય. જેમાં એક કોઈ પણ પંથ, કોઈ પણ પરંપરા કે કોઈ પણ શાસ્ત્રવિશેષ વિશે અવિચારી આગ્રહ નથી અને જેમાં બીજી બાજુથી જૂના કે નવા આચારવિચારના પ્રવાહોમાંથી જીવનસ્પર્શી સત્ય તારવવામાં આવ્યું હોય એવું મારી જાણ પ્રમાણે આ પહેલું જ પુસ્તક છે. તેથી ગમે તે ક્ષેત્રના યોગ્ય અધિકારીને હું આ પુસ્તક વારંવાર વાંચી જવા ભલામણ કરું છું, તેમજ શિક્ષણકાર્યમાં રસ ધરાવનારાઓને સૂચવું છું કે તેઓ ગમે તે સંપ્રદાય કે પંથના હોય તોય આમાં બતાવેલી વિચારસરણીને સમજી પોતાની માન્યતાઓ અને સંસ્કારોનું પરીક્ષણ કરે.
એમ તો આ સંગ્રહમાંનો પ્રત્યેક લેખ ગહન છે. પણ કેટલાક લેખો તો એવા છે કે ભારેમાં ભારે વિદ્વાન કે વિચારકનીયે બુદ્ધિ અને સમજણની પૂરેપૂરી કસોટી કરે. વિષયો વિવિધ છે. દષ્ટિબિંદુઓ અનેકવિધ છે. સમાલોચના મૂલગામી છે. તેથી આખા પુસ્તકનું રહસ્ય તો તે લેખો વાંચી વિચારીને જ પામી શકાય. છતાંયે બંને લેખકોના પ્રત્યક્ષ પરિચય અને આ પુસ્તકના વાચનથી હું તેમની જે વિચારસરણી સમજ્યો છું અને જેણે મારા મન ઉપર ઊંડી છાપ પાડી છે તેને લગતા કેટલાક મુદ્દાની મારી સમજ પ્રમાણે અહીં ચર્ચા કરું છું. આ મુદ્દાઓ તેમનાં લખાણોમાં પણ એક અથવા બીજી રીતે ચર્ચાયેલા જ છે. તે મુદ્દા આ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org