________________
૧૮૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
- જો પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કર્મ અને ફલ માટે પૂર્ણપણે જવાબદાર હોય અને અન્ય વ્યક્તિઓથી તદ્દન સ્વતંત્ર હોઈ તેના શ્રેય-અશ્રેયનો વિચાર માત્ર તેની સાથે સંકળાતો હોય તો સામૂહિક જીવનનો શો અર્થ ? કારણ કે, સાવ નિરાળી, સ્વતંત્ર અને પરસ્પર અસરથી મુક્ત એવી વ્યક્તિઓનો સામૂહિક જીવનમાં પ્રવેશ એ તો માત્ર આકસ્મિક જ હોઈ શકે. જો સામૂહિક જીવનથી વૈયક્તિક જીવન સાવ અલગ રીતે જિવાતું નથી, એ અનુભવ થતો હોય તો તત્ત્વજ્ઞાન પણ એ જ અનુભવને આધારે કહે છે કે ગમે તેટલો વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ દેખાતો હોય છતાં, તે દરેક વ્યક્તિ કોઈ એવા એક જીવનસૂત્રથી ઓતપ્રોત છે કે તે દ્વારા તે બધી વ્યક્તિઓ આસપાસ સંકળાયેલી જ છે. જો આમ હોય તો કર્મફળનો નિયમ પણ આ દૃષ્ટિએ જ વિચારવો અને ઘટાવવો જોઈએ. અત્યાર લગી આધ્યાત્મિક શ્રેયનો વિચાર પણ દરેક સંપ્રદાયે વૈયક્તિક દૃષ્ટિએ જ કર્યો છે. વ્યાવહારિક લાભાલાભનો વિચાર પણ એ જ દષ્ટિ પ્રમાણે થયો છે. આને લીધે જે સામૂહિક જીવન જીવ્યા વિના ચાલતું નથી તેને લક્ષી શ્રેય કે પ્રેયનો મૂળગત વિચાર કે આચાર થવા પામ્યો જ નથી. ડગલે ને પગલે સામૂહિક કલ્યાણની ઘડાતી યોજનાઓ એ જ કારણને લીધે કાં તો પડી ભાગે છે અને કાં તો નબળી પડી નિરાશામાં પરિણમે છે. વિશ્વશાંતિનો સિદ્ધાંત નક્કી થાય છે, પણ તેની હિમાયત કરનાર દરેક રાષ્ટ્ર પાછું વૈયક્તિક દૃષ્ટિએ જ વિચારે છે. તેથી નથી વિશ્વશાંતિ સિદ્ધ થતી કે નથી રાષ્ટ્રીય આબાદી સ્થિરતા પામતી. આ જ ન્યાય દરેક સમાજમાં પણ લાગુ પડે છે. હવે જો સામૂહિક જીવનની વિશાળ અને અખંડ દૃષ્ટિનો ઉન્મેષ કરવામાં આવે અને તે દૃષ્ટિ પ્રમાણે જ પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારીની મર્યાદા વિકસાવે તો તેનાં હિતાહિતો અન્યનાં હિતાહિત સાથે અથડામણમાં ન આવે, અને જ્યાં વૈયક્તિક ગેરલાભ દેખાતો હોય ત્યાં પણ સામૂહિક જીવનના લાભની દષ્ટિ તેને સંતોષ આપે. તેનું કર્તવ્યક્ષેત્ર વિસ્તૃત બને અને તેના સંબંધો વધારે વ્યાપક બનતાં તે પોતામાં એક મૂHI નિહાળે.
૩. દુઃખથી મુક્ત થવાના વિચારમાંથી જ તેના કારણ મનાયેલ કર્મથી મુક્તિ પામવાનો વિચાર આવ્યો. એમ મનાયું કે કર્મ, પ્રવૃત્તિ કે જીવન-વ્યવહારની જવાબદારી એ પોતે જ સ્વતઃ બંધનરૂપ છે. એનું અસ્તિત્વ હોય ત્યાં લગી પૂર્ણ મુક્તિ સંભવી જ ન શકે. આ ધારણામાંથી કર્મમાત્રની નિવૃત્તિના વિચારે શ્રમણપરંપરાનો અનગારમાર્ગ અને સંન્યાસપરંપરાનો વર્ણ-કર્મધર્મસંન્યાસ માર્ગ અસ્તિત્વમાં આણ્યો. પણ એ વિચારમાં જે દોષ હતો તે ધીરે ધીરે જ સામૂહિક જીવનની નિર્બળતા અને બેજવાબદારી વાટે પ્રગટ થયો. જેઓ અનગાર થાય કે વર્ણકર્મધર્મ છોડે તેઓને પણ જીવવું તો હતું જ. બન્યું એમ કે જીવન વધારે પ્રમાણમાં પરાવલંબી અને કૃત્રિમ થયું. સામૂહિક જીવનની કડીઓ તૂટવા અને અસ્તવ્યસ્ત થવા લાગી. આ અનુભવે સુઝાડ્યું કે માત્ર કર્મ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org