________________
૧૬૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
પણ આપણે એક બીજી રીતે વિચાર કરીએ, અને તે એ કે ધારો કે અસ્પૃશ્યવર્ગ કાલે એક અથવા બીજા હોદ્દા ઉપર આવતો જાય. જેમ ક્રિશ્ચિયન થયા પછી આવે છે તેમ અને તે આવવાનો છે એ તો ચોક્કસ છે. એ જ રીતે અસ્પૃશ્યવર્ગ કેળવણી કે ધંધા દ્વારા સમૃદ્ધિમાન ને મોભાદાર પણ થયો, જેમ આંબેડકર આદિ ગૃહસ્થો થયા છે તેમ, તેવે વખતે શું જેનો તેમને પોતાનાં ધર્મસ્થાનોમાં આવવા માટે બીજા લોકોને આવકારે છે તેમ આવકારશે? કે તે વખતે પણ બિલનો વિરોધ કરે છે તેમ વિરોધ જ કરશે? જેઓ જૈન પરંપરાની વૈશ્ય પ્રકૃતિ જાણે છે તેઓ નિઃશંકપણે કહી શકશે કે જેનો તેવે વખતે અસ્પૃશ્યવર્ગનો તેટલો જ આદર કરશે, જેટલો આદર આજે અને ભૂતકાળમાં ક્રિશ્ચિયનો, મુસલમાનો, પારસીઓ અને બીજા મોભાદાર અન્ય ધર્મીઓનો કરતા આવ્યા છે અને કરે છે. આ ચર્ચા એટલું જ સૂચવે છે કે જેની પરંપરા પોતાનો ધર્મસિદ્ધાન્ત વિસરી ગઈ છે, ને માત્ર સત્તા તેમજ ધનની પ્રતિષ્ઠામાં જ ધર્મની પ્રતિષ્ઠા લેખતી થઈ ગઈ છે. જો આમ છે તો એ કહેવાનો શો અર્થ છે કે હરિજનો હિન્દુ છતાં જૈન નથી. માટે જ અમે જૈન મંદિરમાં દાખલ થવાની છૂટ આપતો ધારો માન્ય કરી શકીએ નહિ? હરિજનો સિવાયના બધા જ અજેન હિન્દુઓને જૈન ધર્મસંઘમાં ને જૈન ધર્મસ્થાનમાં જવામાં કોઈ પ્રતિબંધ નથી. ઊલટું તેઓને પોતાના સંઘમાં અને ધર્મસ્થાનમાં લાવવાના વિવિધ પ્રયત્નો થાય છે, તો હિન્દુ સમાજના જ બીજા એક ઊતરતા અંગ જેવા હરિજનોને જૈન સંસ્થાઓ પોતાનાં ધર્મસ્થાનોમાં અને પોતાની કેળવણીની સંસ્થાઓમાં આપમેળે જ આવકારે તેમાં જ તેમના ધાર્મિક સિદ્ધાંતની રક્ષા અને મોભો છે. જૈનોએ તો એમ કહેવું જોઈએ કે અમારે બિલ-ફિલની કે ધારા-ધારાની કશી જરૂરિયાત છે જ નહિ; અમે તો અમારા ધર્મસિદ્ધાંતને બળે જ હરિજન કે ગમે તેને માટે અમારું ધર્મસ્થાન ખુલ્લું મૂકીએ છીએ અને સદા એ સ્થાન સૌને માટે અભંગદ્વાર છે. આમ કહેવાને બદલે વિરોધ કરવા આડીઅવળી દલીલોનાં ફાંફાં મારવાં એથી વધારે નામાશી જૈન ધર્મની બીજી હોઈ શકે નહિ પણ પોતાની નામોશીની પરવા ન કરવા જેટલું જ જૈન માનસ ઘડાયું છે તેનાં મૂળમાં ઇતિહાસ રહેલો છે, અને તે ઈતિહાસ એટલે જેનોએ વ્યવહારના ક્ષેત્રમાં બ્રાહ્મણવર્ગના જાતિભેદના સિદ્ધાંત સામે સર્વથા નમતું આપ્યું છે. ભગવાન મહાવીરથી જ નહિ, પણ તેમના પહેલાંથી શરૂ થયેલ જાતિસમાનતાનો સિદ્ધાંત ચાલુ શતાબ્દીના જૈન ગ્રંથમાં પણ એકસરખું સમર્થન પામ્યો છે, અને શાસ્ત્રોમાં એ સિદ્ધાંતના સમર્થનમાં બ્રાહ્મણવર્ગની કોઈ પણ જાતની શેહ રાખવામાં આવી નથી. અને છતાંય એ જ શાસ્ત્રના લખાવનારાઓ, વાંચનારાઓ અને શ્રોતા જેનો પાછા હરિજનો કે બીજા એવા દલિત લોકોને ધાર્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં સમાનતા અર્પવાની કે પ્રવેશ આપવાની સાફ ના ભણે છે. આ કેવું અચરજ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org