________________
શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? • ૧૨૫ શકીએ. જૈન તત્ત્વજ્ઞાનમાં અનેકાંત અને આચારમાં અહિંસા મૂકવામાં આવેલ છે, અને તેનો ઉદ્દેશ માત્ર એક જ છે કે તમે જૈન તરીકે અંદરોઅંદર અને બીજા સમાજો સાથે ઉદારતાથી અને પ્રેમથી વર્તો. જ્યાં ભેદ અને વિરોધ હોય ત્યાં જ ઉદારતા અને પ્રેમનું કામ પડે છે અને ત્યાં જ તે અંતઃકરણમાં છે કે નહિ અને છે તો કેટલા પ્રમાણમાં છે એની પરીક્ષા થાય છે. એટલે આપણે જૈનપણાને જો સમજતા હોઈએ તો સીધી રીતે સમજી શકીએ કે ઉદારતા અને પ્રેમવૃત્તિ દ્વારા જ આપણે ધર્મની રક્ષા કરી શકીએ, બીજી કોઈ રીતે નહિ જ. શાસ્ત્રની ઉત્પત્તિ અને તેના ઉપયોગનો ઉદ્દેશ એ જ છે. જો એ ઉદ્દેશ એનાથી ન સાધીએ તો એ રક્ષણને બદલે ઝેરી શસ્ત્રની પેઠે ભક્ષણ કરવાનું કામ કરશે અને શાસ્ત્ર પોતાનું ગૌરવ નષ્ટ કરી શસ્ત્ર સાબિત થશે.
ઉદારતા બે જાતની: એક તો વિરોધી અગર ભિન્ન ધ્યેયવાળા પ્રત્યે તટસ્થપણું કેળવવાની અને બીજી આદર્શ મહાન બનાવની. જ્યારે આદર્શ તદ્દન સાંકડો હોય, અંગત કે પંથ પૂરતો મર્યાદિત હોય, ત્યારે માણસનું મન સ્વભાવે જ વિશાળ તત્ત્વનું બનેલું હોવાથી એ સાંકડા આદર્શમાં ગભરાય છે અને ઝેરવેરની બહાર આવવા બારીઓ શોધે છે. એ મનની સામે જો વિશાળ આદર્શ રાખવામાં આવે તો તેને જોઈતું ક્ષેત્ર મળી જાય છે અને તેની શક્તિ ક્લેશ-કંકાસ વાતે ફાજલ રહેતી જ નથી. એટલે ધર્મપ્રેમી થવા ઇચ્છનાર દરેકની એ ફરજ છે કે તે પોતાનો આદર્શ વિશાળ ઘડે અને તે માટે મનને તૈયાર કરે. બીજી બાજુ જ્ઞાનવૃદ્ધિ એટલે શું? માણસજાતમાં જ્ઞાનની ભૂખ સ્વભાવે જ હોય છે. એ ભૂખ તેણે જુદા જુદા પંથોનાં, ધમનાં અને બીજી અનેક શાખાઓનાં શાસ્ત્રોનો સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરીને જ શમાવવી. જો સહાનુભૂતિ હોય તો જ હું બીજી બાજુને બરાબર સમજી શકાય. આ રીતે આપણામાં આજે ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ પ્રગટાવવાની ભાવના આપણે પેદા કરીએ.
- પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org