________________
૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ?
હિંદુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, વિકસાવનાર, અને તે દ્વારા શક્ય હોય તેવી બધી પ્રવૃત્તિ કરનાર જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્યપણે જાણીતો છે. એ જ રીતે શસ્ત્ર રાખનાર, વાપરનાર જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રિય તરીકે જાણીતો છે. શરૂઆતમાં બ્રાહ્મણવર્ગનું કાર્ય શાસ્ત્ર દ્વારા લોકરક્ષા એટલે સમાજરક્ષા કરવાનું હતું, તેમજ ક્ષત્રિયવર્ગનું કાર્ય શસ્ત્ર દ્વારા સમાજરક્ષણ કરવાનું હતું. શાસ્ત્ર દ્વારા સમાજરક્ષણ અને શસ્ત્ર દ્વારા સમાજરક્ષણ એ બંને રક્ષણ છતાં તેનું સ્વરૂપ મૂળમાં જુદું હતું. શાસ્ત્રમૂર્તિ બ્રાહ્મણ જ્યારે કોઈને બચાવવા માગે ત્યારે તેના ઉપર શાસ્ત્રનો પ્રયોગ કરે; એટલે તેને હિતબુદ્ધિથી, ઉદરતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમજાવે. આમ કરી તે પેલા આડે રસ્તે જનારને કદાચ બચાવી જ લે અને તેમ કરવામાં સફળ ન થાય તો પણ તે પોતાની જાતને તો ઉન્નત સ્થિતિમાં સાચવી રાખે જ. એટલે શાસ્ત્રનું કાર્ય મુખ્યપણે વક્તાને બચાવવાનું જ રહેતું, સાથે સાથે શ્રોતાને પણ બચાવી લેવાનું બની આવતું, અને જો કોઈ વાર તેમ ન બને તો શ્રોતાનું અનિષ્ટ થાય તેવો ઉદ્દેશ તો ન જ રહે. શસ્ત્રમૂર્તિ ક્ષત્રિય જો કોઈના આક્રમણથી પોતાની જાતને બચાવવાનો હોય તો તે શસ્ત્ર દ્વારા પેલા આક્રમણકારીને મારીને જ પોતાને બચાવી લે. એ જ રીતે બીજા કોઈ નિર્બળને બચાવવા જાય ત્યારે પણ પેલા બળવાન આક્રમણકારીને મારીને જ અગર હરાવીને જ નિર્બળને બચાવી શકે. એટલે શસ્ત્ર રક્ષણમાં એકની રક્ષા કરવા જતાં મોટે ભાગે બીજાનો નાશ સંભવે છે; એટલે કે સામાને ભોગે જ આત્મરક્ષા કે પરરક્ષા સંભવે છે. આટલા તફાવતને લીધે જ શાસ્ત્રનો અર્થ એવો કે શાસન કરી એટલે સમજાવીને કોઈને બચાવવાની શક્તિને જે ધરાવે તે શાસ્ત્ર; અને બીજાને હણી એકને બચાવવાની શક્તિ જેમાં હોય તે શસ્ત્ર. આ તફાવત સાત્ત્વિક અને રાજસ પ્રકૃતિના તફાવતનું સૂચક છે. એ તફાવત હોવા છતાં બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પોતાના સમાજરક્ષણના ધ્યેયને યથાર્થપણે વફાદાર રહી ત્યાં સુધી તે બંને પ્રકૃતિએ પોતાની મર્યાદા પ્રમાણે નિઃસ્વાર્થપણે કામ બજાવ્યા કર્યું અને શાસ્ત્ર ને શસ્ત્રનો મોભો સચવાઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org