________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ ૯૧ પણ સહેજ ઊંડા ઊતરી વિચાર કરીશું તો જણાશે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જેવા શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરેલ સ્થૂળ અર્થની સમજણની પરિણામે આવેલી સંકુચિતતા તે માત્ર વ્યક્તિને જ નહિ પણ સમાજ સુધ્ધાંને ભારેમાં ભારે હાનિકારક નીવડે છે. આ હાનિ કેવળ ધાર્મિક અગર આધ્યાત્મિક પ્રદેશ પૂરતી જ નથી રહેતી, પણ તેની અસર સામાજિક અને રાજકીય જેવા વ્યાવહારિક ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે આવે છે; કેમ કે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયમાં શરૂ થયેલ સંકુચિતતા માત્ર ત્યાં નથી અટકતી, પણ તે વ્યક્તિ અને સમાજને બીજા સમાજોથી દૂર રહેવા પ્રેરે છે, અને એકરસ થતાં રોકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન અને જૈનેતર એવા બે જુદા સમાજ કલ્પાયા છે. અને તેથી જ જ્યાં સંસ્કાર અને વિચારની સમાનતા હોય ત્યાં પણ એક સમાજની વ્યક્તિને બીજા સમાજની વ્યક્તિ સાથે લગ્નસંબંધથી કે સમાનભાવે ખાનપાનના વ્યવહારથી જોડાતાં ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. મુસ્લિમ અને ક્રિશ્ચિયન જેવા સમાજની વાત ન કરીએ, તોય આપણે જોઈએ છીએ કે વૈષ્ણવ, શૈવ અને બૌદ્ધ જેવા સમાજ સાથે જૈન સમાજને બીજી બધી બાબતમાં સમાનતા હોવા છતાં સાંપ્રદાયિકતાને કારણે એકરસ થવામાં કેટલા પ્રત્યવાયો નડે છે!
શરૂઆતમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિની પ્રાથમિક વ્યાખ્યાએ જૈન અને જૈનેતર વચ્ચે સંકુચિતતાની દીવાલ ઊભી કરી, પણ ધીરે ધીરે વ્યાખ્યા વધારે ટૂંકી થતાં સંકુચિતતા પણ વધારે વિકસી. જૈન પરંપરાના ચારે ફિરકામાં એ વ્યાખ્યા નવે રૂપે થવા લાગી. સ્થાનકવાસી ફિરકામાં જન્મેલ વ્યક્તિને સમ્યગ્દષ્ટિનો એવો અર્થ વારસાગત મળેલો હોય છે કે સ્થાનકવાસી સિવાયના બીજા જૈન ફિરકાઓના પણ ગુરુ અને આચારવિચારોને માનવા કે પાળવા તે સમ્યગ્દષ્ટિ નથી, એટલે કોઈ સ્થાનકવાસી મહાવીરને માનવા છતાં પણ તેની મૂર્તિ તીર્થસ્થાનો અને શ્વેતાંબર કે દિગંબર પરંપરાના મનાતા શ્રુતને પોતાનાં આદર અને જિજ્ઞાસાની બહાર જ રાખવાનો, એ જ રીતે શ્વેતાંબર મૂર્તિપૂજક દિગંબર પરંપરાનાં મંદિર, મૂર્તિ, તીર્થ, ત્યાગી ગુરુ વગેરેને અસ્પૃશ્ય નહિ તો ઉપેક્ષાદષ્ટિથી જોવાનો. દિગંબર ફિરકાની વ્યક્તિઓ પણ સ્થાનકવાસી કે શ્વેતાંબર ફિરકાના શાસ્ત્ર અગર આચારવિચારો વિષે એવી જ કટ્ટરતા સેવવામાં સમ્યગ્દર્શન સાચવ્યાનું અભિમાન રાખવાની. તેરાપંથી હશે તો તે પણ ઉપરના ત્રણે ફિરકાના આચારવિચારને અનુસરવામાં કે તેને સમ્યક લેખવામાં પોતાનો આધ્યાત્મિક વિનિપાત જોવાનો.
જે વાત જૈન પરંપરાને ઉદ્દેશી ઉપર કહેવામાં આવી છે તે જ વાત બીજી પરંપરાને પણ તેટલે જ અંશે, બલ્લે ક્યારેક કયારેક ઘણે વધારે અંશે, લાગુ પડે છે. વૈદિક હશે તો તે જૈન, બૌદ્ધ જેવી અવૈદિક પરંપરાઓના બધા જ આચારવિચારોને તેમજ શાસ્ત્રોને સ્પર્શ કરવામાં નાસ્તિકતા લેખશે અને વેદ-સ્મૃતિ-પુરાણ જેવાં વૈદિક ગણાતાં શાસ્ત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org