________________
૯૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ આ વ્યાખ્યામાં કોઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની પ્રણાલીઓનો સ્પર્શ જ નથી; માત્ર તત્ત્વના વાસ્તવિક સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવવાનો જ સ્પર્શ છે.
તત્ત્વશ્રદ્ધા એ સમ્યગ્દષ્ટિ હોય તોપણ તે અર્થ છેવટનો નથી. છેવટનો અર્થ તો તત્ત્વસાક્ષાત્કાર છે. તત્ત્વશ્રદ્ધા એ તત્ત્વસાક્ષાત્કારનું એક સોપાન માત્ર છે. જ્યારે એ સોપાન દઢ હોય ત્યારે જ યથોચિત પુરુષાર્થથી તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે, એટલે કે સાધક જીવનમાત્રમાં ચેતન તત્ત્વને સમાનભાવે અનુભવે છે અને ચારિત્ર્યલક્ષી તત્ત્વો માત્ર શ્રદ્ધાનો વિષય ન રહેતાં જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તત્ત્વસાક્ષાત્કાર અને એ જ સમ્યગ્દષ્ટિ શબ્દનો અંતિમ તેમજ એકમાત્ર અર્થ. આ અંતિમ અર્થમાં તત્ત્વશ્રદ્ધારૂપ પહેલાનો અર્થ તો સમાઈ જ જાય છે, કેમકે જ્યારે તત્ત્વસાક્ષાત્કાર થાય ત્યારે શ્રદ્ધા તો જીવંત બને છે.
ઉપરની ચર્ચાથી નીચેનો ભાવ સંક્ષેપમાં ફલિત થાય છે. સમ્પ્રદાયગત અને ફિરકાગત માત્ર સ્થૂળ આચારવિચારની પ્રણાલિકા વગેરેમાં શ્રદ્ધા સેવવી તે સમ્યગ્દષ્ટિ શબ્દનો અર્થ. આ અર્થ દરેક સંપ્રદાયને ન્યાય આપે છે, અને અંદરોઅંદરના વિરોધને શમાવી એકબીજાને નજીક આણે છે. તત્ત્વસાક્ષાત્કાર એ સમ્યગ્દષ્ટિ શબ્દનો અંતિમ અને મુખ્ય અર્થ છે. આ અર્થ જેણે જીવનમાં સિદ્ધ કર્યો હોય તે જ ખરો સિદ્ધ, બુદ્ધ કે સંત છે.
ઉપર સૂચવેલ ત્રણ અર્થોનું પરસ્પર તારતમ્ય સમજવા માટે એક વ્યવહારુ દાખલો આપવો યોગ્ય ગણાશે. શિશુ અવસ્થાની કન્યા ઢીંગલીને મા કલ્પી તેની સાથે બાળકોનાં ઢીંગલાને બેસાડે છે ને તેમાં માતા તેમજ સંતતિનો અર્થ જુએ છે. તે જ કન્યા ઠીક ઠીક ઉમરે પહોંચતાં પોતાનામાં જ માતૃત્વની અનિવાર્ય શક્યતા વિષે શ્રદ્ધા સેવે છે. તે જ કન્યા સમય પાકતાં અને અનુગુણ સંયોગો મળતાં પોતાનામાં માતૃત્વનો સાક્ષાત્કાર પણ કરે છે. ત્રણે અવસ્થામાં માતૃત્વ સમાન છે. પણ પહેલી અવસ્થામાંના માતૃત્વદર્શન કરતાં બીજી અવસ્થાનું માતૃત્વદર્શન અને છેવટનું માતૃત્વદર્શન એ સાવ ભિન્ન ભિન્ન છે. એ જ રીતે સમ્યગ્દષ્ટિ જેવા આધ્યાત્મિક ભાવનાસૂચક શબ્દના ઉપર વર્ણવેલ અર્થોનું તારતમ્ય કાંઈક સમજી શકાય અને ચકલા વગેરેના ચિત્રગત અર્થ કરતાં જીવતા ચકલાના અર્થમાં રહેલ તારતમ્યનો પ્રથમ અપાયેલ દાખલો પણ વધારે સ્પષ્ટતાથી સમજી શકાય.
સમ્યગ્દષ્ટિના ઉપર સૂચવેલ ત્રણ અર્થોમાં જેમ જેમ આગળ પ્રગતિ થાય છે તેમ તેમ પહેલાંના અર્થ સાથે સંકળાયેલ ભ્રમો પણ દૂર થવા પામે છે. આધ્યાત્મિક મુસાફરને ઉદ્દેશી જે જાગવાની વાત પેલા “ઊઠ જાગ, મુસાફિર !” ભજનમાં કહી છે તે આ જ આધ્યાત્મિક જાગૃતિ છે.
- પ્રબુદ્ધજીવન, ૧૫-૯-પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org