________________
૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ
સ્વસ્થ માણસને બે ફેફસાં હોય છે. બંને યોગ્ય રીતે કામ કરે ત્યારે જ જીવનનો સંવાદ સચવાય છે. એક બગડે, નબળું પડે કે કાઢી નાખવામાં આવે ત્યારે જીવન ચાલતું હોય તોય તે એક રીતે બહુ પામર ને પાંગળા જેવું બની જાય છે. વ્યક્તિ-ધર્મ અને સમાજ-ધર્મની પણ કાંઈક એવી જ દશા છે. કોઈ વ્યક્તિ જ્યારે અંતર્મુખ થઈ પોતાની શક્તિઓને વિકસાવવા ઇચ્છે ત્યારે તેને માટે પહેલું કામ એ હોય છે કે પોતાનામાં રહેલી ખામીઓને ટાળે; પણ સાથે જ તેણે ખરેખર શક્તિઓ વિકસાવવી હોય તો તેને બીજું એ કામ કરવાનું હોય છે કે, તે પોતામાં રહેલી શક્તિઓને વધારેમાં વધારે વિવેકપૂર્વક યોગ્ય માર્ગે વાળે અને તેનો ઉપયોગ કરે. આમ કરે તો જ એનો વૈયક્તિક ધર્મ સચવાય અને વિકાસ પામે. સમાજધર્મની પણ એ જ રીત છે. કોઈ પણ સમાજ સબળ થવા ઇચ્છે ત્યારે તેણે નબળાઈઓ ખંખેરવી જ રહી. પણ તે પરિસ્થિતિ પ્રમાણે શક્તિઓને કામમાં ન લે તો એ નબળાઈઓ ખંખેરાતી દેખાય, છતાં પાછલા બારણેથી તે દાખલ થતી જ રહે અને પરિણામે એ સમાજ ક્ષીણ જેવો જ બની રહે.
- ધર્મનો ઇતિહાસ તપાસીએ તો એમ જણાય છે કે ક્યારેક તે વિશેષ બહિર્લક્ષી બને છે અને ક્યારેક અંતરલક્ષી. જ્યારે સાચા અર્થમાં ધર્મ અંતરલક્ષી હોય છે ત્યારે તે મુખ્યપણે વ્યક્તિમાં વિકાસ પામે છે. કોઈ એક વ્યક્તિ ખરેખર અંતરલક્ષી હોય ત્યારે એની આસપાસ સમાજ આકર્ષાય છે. સમાજમાનસ એવું છે કે તેને સંતોષવા સ્થૂળ પણ રસદાયક પ્રવૃત્તિઓ જોઈએ. એ વલણમાંથી અંતરલક્ષી વ્યક્તિની આસપાસ પણ ક્રિયાકાંડો, ઉત્સવો અને વિધિવિધાનોની જમાવટ થાય જ છે. આ જમાવટનું જોર વધતાં જ્યારે અંતરલક્ષી વલણ મંદ થઈ જાય છે, કે ક્યારેક સાવ ભૂંસાઈ જાય છે, ત્યારે વળી કોઈ વિરલ વ્યક્તિ એવું વલણ આણવા પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાંથી પાછો એકાદ નવો ફાંટો જન્મે છે અને કાળક્રમે તે ફાંટામાં પણ સમાજમાનસ પોતાને અનુકૂળ હોય એવા ક્રિયાકાંડો અને ઉત્સવો યોજે છે. આમ ધર્મવૃત્તિને સંતોષવાના પ્રયત્નમાંથી જ નિવૃત્તિ અને પ્રવૃત્તિની બે બાજુઓ ઊભી થાય છે. ક્યારેક બંને સાથે ચાલે છે, કયારેક એકનું પ્રાધાન્ય હોય છે તો કયારેક બંને પરસ્પર અથડાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org