________________
૪. જીવનપથ.
જીવન સમુદ્ર જેવું અગાધ છે અને આકાશ જેવું અનંત છે. સમુદ્ર સપાટી છે, જીવનને પણ સપાટી છે. સપાટી ઉપર નાનાં મોટાં રંગબેરંગી હારબંધ અને હાર વિનાનાં આડાંઅવળાં અનેકવિધ મોજાંઓ ઊઠે છે, આગળ વધે છે, પાછાં વળે છે, અંદરોઅંદર અથડાય છે. એ અથડામણોમાંથી વળી નવાં તોફાની મોજ ઊઠે છે અને છેવટે તે કિનારે પહોંચ્યા પહેલાં વચ્ચે અથવા તો કિનારે પહોંચીને પણ વિલીન થઈ જાય છે. સપાટી ઉપરનું આ તરંગનૃત્ય એક પણ પળ થંભ્યા વિના રાત અને દિવસ સતત ચાલ્યા કરે છે. જ્યાં દેખો ત્યાં સૂક્ષ્મ-સ્થૂલ કીટપતંગોની, વિવિધ પશુપક્ષીઓની અને માનવજાતની સર્જન-સંહાર લીલા જોવા મળે છે.
સપાટી ઉપરના ખેલ કરતાં ઊંડાણમાંનો ખેલ જેમ સમુદ્રમાં કાંઈક જુદા જ પ્રકારનો હોય છે, જેમ જેમ તળ તરફ ઊંડા જઈએ તેમ તેમ પાણી એકવિધ જ હોવા છતાં એનાં વહન-પ્રતિવહનનાં પરિવર્તામાં ફેર પડતો જ જાય છે, તેમ સપાટી ઉપરના જીવનને સ્પર્શતા જીવનસૃષ્ટિમાંના દેહગત વૈવિધ્ય કરતાં એ જીવનના ઊંડાણમાં રહેલ મનોગત અને વાસનાગત વહેણોનું વૈવિધ્ય બહુ જ જુદા પ્રકારનું અને જટિલ હોય છે. એમ તો સમુદ્ર અગાધ – તલસ્પર્શ વિનાનો – કહેવાયો છે, પણ માનવબુદ્ધિની છેલ્લી શોધોએ એનું તળિયું માપ્યું છે, તેમ છતાં હજી સુધીની કોઈ માનવશોધે જીવનના તળનો લેશ પણ સ્પર્શ કર્યો નથી. તેથી જીવન ખરા અર્થમાં જ અગાધ છે. એના તળનો – ઊંડાણનો સ્પર્શ જેમ કલ્પનાતીત રહ્યો છે તેમ એના કાલિક કે દૈશિક આદિ અને અવસાન બંને અંતોને કોઈ માનવબુદ્ધિ સ્પર્શી શકી નથી. આકાશપ્રદેશમાં ગમે ત્યાં જઈને ઊભા રહો, ગમે તેટલે દૂર જાઓ, છતાં ત્યાંનું ક્ષિતિજ નવું નવું વિસ્તર્યે જ જવાનું. જીવનની બાબતમાં પણ એમ જ છે. કોઈ પણ કક્ષાએ જઈને જીવનનો વિચાર કરો, એને વિશે કલ્પનાઓ સર્જી, પણ એ વિચારો અને એ કલ્પનાઓ સાવ અધૂરાં જ લાગવાનાં જીવનના પૂર્ણ અને યથાવત્ સ્વરૂપને તે વિચારો કે કલ્પનાઓ ૫ ૬ ડી શકવાનાં જ નહિ. એ એની પૂરી પકડથી પહેલાંના જેટલું જ વેગળું કે અલિપ્ત રહેવાનું. તેથી જ ખરા અર્થમાં જીવન અનંત છે, અમાપ છે, અગ્રાહ્ય છે, અશેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org