________________
૬. ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ
શ્રી રાધાકૃષ્ણનના આ પુસ્તક “ધર્મોનું મિલનમાં તેમની ત્રણ વિશેષતાઓ વિશેષ રૂપે નજર આગળ તરી આવે છે : (૧) કંટાળો ઊપજે એવું લંબાણ કર્યા સિવાય અત્યંત મનોહર શૈલીએ તદ્દન ફુટ ચર્ચા કરવી, (૨) ચર્ચાનો વિષય પર ગંભીરપણે લખનાર સંખ્યાબદ્ધ લેખકોની સાક્ષીઓ આપી તેમનાં કામલાયક અવતરણોના સમુચિત સંકલનથી પોતાના વક્તવ્યને ફુટ ને સમૃદ્ધ કરવું, (૩) એમનાં તર્કપાટવ અને સમભાવ.
ભૂતકાળની પેઠે આ યુગમાં પણ ભારતે અનેક સમર્થ ધર્મચિન્તકો અને ધર્મ વિષે સાધિકાર લખનાર – બોલનારાઓ નિપજાવ્યા છે. અસાધારણતા તે બધાનો સામાન્ય ગુણ છે, છતાં તે સૌની ભૂમિકા જુદી જુદી છે. ભારત અને ભારત બહારના વિશ્વ ઉપર ધર્મ વિષેની પોતાની વિચારણા અને અનુભૂતિની વિશિષ્ટ છાપ પાડનાર પાંચ પુરુષો સુવિદિત છે. શ્રી અરવિંદ ગૂઢ તાત્રિક સાધના દ્વારા ને ગૂઢ વાણી દ્વારા ધર્મનાં ગૂઢ તત્ત્વો પ્રકાશે છે; તે પારાના રસાયન જેવા હોઈ સર્વભોગ્ય નથી. કવિવર રવીન્દ્ર પોતાની કવિસુલભ સર્વતોમુખી પ્રતિભા અને સહજસિદ્ધ ભાષાસમૃદ્ધિના હૃદયંગમ અલંકારોથી ધર્મના તત્ત્વનું રસપૂર્ણ નિરૂપણ કરે છે. તે ઉપનિષદ અને ગીતાની ગાથાઓ સમું સરલતમ અને ગૂઢતમ બંને પ્રકારનું કાવ્ય બની રહે છે, તેથી તે બહુભોગ્ય છતાં વસ્તુતઃ અલ્પભોગ્ય જ છે. ગાંધીજીના ધર્મ વિષેના ઉદ્દગારો ને લખાણો સર્વલક્ષી હોઈ, તે ગંભીર છતાં પણ સંતસમાં તપસ્વીની વાણીરૂપે સર્વગમ્ય બને છે. તેથી તે અધિકારીભેદે બકરી અને ગાયના દૂધની પોષક ગરજ સારે છે. ડો. ભગવાનદાસનાં ધર્મચિન્તન અને વિચારલેખન એ અનેક ઉદ્યાનોમાંનાં અનેકવિધ પુષ્પોમાં રહેલ મકરંદને પચાવી ભૃગરાજે કરેલા મધુસંચય જેવાં છે. તે મધુર અને પથ્ય હોવા છતાં દૂધના જેટલાં સુપર નથી. શ્રી રાધાકૃષ્ણનનાં ધર્મપ્રવચનો એ અનેક ઉદ્યાનોમાંથી અનેકવિધ લતાવૃક્ષો પરથી ચૂંટી એકત્ર કરેલા અનેકરંગી ને અનેક જાતનાં કુસુમો વડે અસાધારણ કુશળતા ધરાવનાર માલાકારે ગૂંથેલી એક મનોરમ પુષ્પમાળા સમાન છે. તે ગમે તે પ્રેક્ષક અધિકારીની દૃષ્ટિને લોભાવે છે, અને પોતાની મહેકથી તેમજ વિવિધવર્ણ સુન્દરતાથી વાંચનાર કે શ્રોતાને વિષયમાં લીન બનાવી રસ લેતા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org