________________
ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ • ૨૭ ધર્મનદીને કિનારે અનેક તીર્થો ઊભાં થાય છે, અનેક પંથના ઘાટો બંધાય છે. એ ઘાટો પર નભનાર વાડાજીવી સર્વ પંડા કે પુરોહિતો પોતપોતાના તીર્થ અને ઘાટની મહત્તા કે શ્રેષ્ઠતા ગાઈને જ સંતોષ નથી પામતા, પણ મોટે ભાગે તેઓ બીજાં તીર્થો અને બીજા પંથરૂપ ઘાટોની ઊણપો બતાવવામાં વધારે રસ લે છે. તેઓ ધર્મની પ્રતિષ્ઠા સાથે કેટલાંક તત્ત્વોને સેળભેળ કરી નાખે છે. તેમાંનું એક તત્ત્વ તો એ કે અમારો ધર્મ એ મૂલતઃ શુદ્ધ છે, અને તેમાં જો કોઈ અશુદ્ધિ હોય તો તે પરપંથની આગંતુક અસર છે. બીજું તત્ત્વ એ કે બીજા ધર્મપંથોમાં કંઈ સારું હોય તેને પોતાના ધર્મની અસર તરીકે બતાવવું. ત્રીજું તત્ત્વ એ કે સનાતનતા સાથે જ શુદ્ધિ અને પ્રતિષ્ઠાનો સંબંધ વિચારવો. આ અને આના જેવા બીજા વિકારી તત્ત્વોથી લોકોનું ધાર્મિક જીવન પણ ક્ષુબ્ધ બને છે. દરેક પંથ પોતાની સનાતનતા ને પોતાની શુદ્ધિ સ્થાપવા મથે છે, અને બીજા ધર્મપંથોમાં રહેલ ઉચ્ચ તત્ત્વો સામે આંખ મીંચી દે છે.
ધાર્મિક જીવનના આ સડાને દૂર કરવાનાં અનેક માર્ગો પૈકી એક માર્ગ – અને સુપરિણામદાયી માર્ગ – એ પણ છે કે દરેક ધર્મજિજ્ઞાસુને ધર્મનું જ્ઞાન ઐતિહાસિક તેમજ તુલનાત્મક દૃષ્ટિએ આપવું, જેથી ધર્મનું શિક્ષણ માત્ર એકપંથગામી મટી સર્વપથગામી બને, અને સ્વ કે પર દરેક પંથના સ્થૂલ તેમજ સૂક્ષ્મ જીવનના ઇતિહાસનું પણ ભાન થાય. આ જાતના શિક્ષણથી પોતાના પંથની પેઠે બીજા પંથમાં પણ રહેલ સુતત્ત્વોને સહેલાઈથી જાણી શકાય છે અને પરપંથની જેમ સ્વપંથમાં રહેલી ત્રુટિઓનું પણ વાસ્તવિક ભાન થાય છે. તેની સાથેસાથે પ્રાચીનતામાં જ મહત્તા અને શુદ્ધિનો બંધાયેલો ભ્રમ પણ સહેલાઈથી ટળે છે. આ દૃષ્ટિએ ધર્મના ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણનું બહુ ઊંચું સ્થાન છે.
ધર્મનું વ્યાપક અને તટસ્થ દષ્ટિએ ઐતિહાસિક ને તુલનાત્મક શિક્ષણ આપવું હોય તો તે માટે પૂર્ણ યોગ્ય સ્થાન તો સાર્વજનિક કૉલેજોને ને યુનિવર્સિટીઓ જ છે. એમ તો દરેક દેશમાં અનેક ધર્મધામો છે, અને જ્યાં જ્યાં ધર્મધામ હોય ત્યાં ત્યાં નાનાં-મોટાં વિદ્યાધામ હોવાનાં જ. પણ આપણે જાણીએ છીએ કે એ વિદ્યાધામો જે પંથના હોય તે જ પંથના વિદ્યાર્થીઓ અને મોટે ભાગે તે જ પંથના અધ્યાપકો તેમાં હોય છે. તે વિદ્યાધામ ગમે તેટલું ઉદાર વાતાવરણ ધરાવતું હોય છતાં તેમાં પરપંથોના વિદ્યાર્થીઓ કે અધ્યાપકો જતા નથી, અને જાય તો તેમાં એકરસ થઈ શકતા નથી. એટલે પરિણામ એ આવે છે કે દરેક પંથ દ્વારા ચલાવાતાં વિદ્યાધામોમાં ધર્મનું શિક્ષણ એકદેશીય જ રહી જાય છે. એને લીધે પંથ પંથના અનુયાયીઓની વિચારણામાં રહેલું અંતર કે તેમાં રહેલી ભ્રાન્તિઓ મટવાને બદલે, વિશેષ વધે નહિ તોપણ, કાયમ તો રહે છે જ. જ્યારે વર્તમાન યુગ દૂરવર્તી ભિન્નભિન્ન ખંડના માણસોને સહેલાઈથી મળવાનાં સાધનો ધરાવે છે અને અનેક બાબતો પરત્વે વિશ્વસંઘની વ્યવસ્થા કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org