________________
નીતિ, ધર્મ અને સમાજ • ૪૧ જે બંધન કે જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક હોય છે તે નીતિ; અને જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક નહિ પણ શુદ્ધ કર્તવ્ય ખાતર જ હોય છે અને જે કર્તવ્ય માત્ર યોગ્યતા ઉપર જ અવલંબિત હોય છે તે ધર્મ નીતિ અને ધર્મ વચ્ચેનો આ તફાવત કાંઈ નાનોસૂનો નથી. જો આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તો સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધારણ અને પોષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સંશોધન થતું નથી. સંશોધન એટલે શુદ્ધિ અને શુદ્ધિ એટલે જ ખરો વિકાસ – એ સમજ જો વાસ્તવિક હોય તો એમ કહેવું જોઈએ કે એવો વિકાસ ધર્મને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધર્મ જેટલે અંશે વધારે અનુસરતો હોય તે સમાજ તેટલે અંશે ચડિયાતો. આ વસ્તુ વધારે સ્પષ્ટતાથી સમજાય એટલા માટે કેટલાક દાખલાઓ લઈએ. બે જણ એવા કલ્પો કે જેમાં એક ટિકિટ-માસ્તર પોતાના ખાતાનો હિસાબ બરાબર ચોકસાઈથી સાચવે છે અને રેલવેખાતાને એક પાઈ પણ નુકસાન થાય તેટલી ભૂલ નથી કરતો – એટલા સારુ કે જો ભૂલ આવે તો દંડાવાનો અગર નોકરી જવાનો ભય છે; પણ એટલી જ ચીવટવાળો તે માસ્તર જો બીજો ભય ન હોય તો મુસાફરો પાસેથી લાંચ લે છે. જ્યારે આપણે કલ્પેલો બીજો સ્ટેશનમાસ્તર હિસાબની ચોકસાઈ ઉપરાંત લાંચ મળવાનો અને પચી જવાનો ગમે તેટલો અનુકૂળ પ્રસંગ છતાં લાંચ નથી જ લેતો, એટલું જ નહિ, પણ તે લાંચખોરીનું વાતાવરણ જ નથી પસંદ કરતો. એ જ રીતે એક ત્યાગી વ્યક્તિ ખુલ્લી રીતે પૈસા લેવામાં કે રાખવામાં અકિંચન વ્રતનો ભંગ લેખી પૈસા હાથમાં નહિ લે કે પોતાની પાસે નહિ સંઘરે અને છતાં જો તેના મનમાં અકિંચનપણું આવ્યું નહિ હોય, એટલે કે લોભનો સંસ્કાર ગયો નહિ હોય, તો તે ધનિક શિષ્યોને મેળવી મનમાં ફુલાશે અને જાણે પોતે જ ધનવાન હોય એ રીતે બીજા કરતાં પોતાને ચડિયાતો માની ગર્વભરેલો હુપદનો વ્યવહાર કરશે. જ્યારે બીજો ત્યાગી, જો ખરો ત્યાગી હશે તો, પૈસા પોતાની માલિકીના કરીને પાસે નહિ જ રાખે અને પાસે હશે તો પણ તેના મનમાં જરાય નહિ હોય અભિમાન કે જરાય નહિ હોય પોતાના અલગ સ્વામીપણાનું ગૌરવ. તે ગમે તેટલા ધનિકોની વચ્ચે રહેવા છતાં અને ધનિકોની સેવાના પ્રસંગોમાં આવવા છતાં નહિ તેનાથી ફુલાય કે નહિ તેને લીધે બીજા કરતાં પોતાને ચડિયાતો માને. આનું પરિણામ એ આવવાનું કે જો નીતિની દૃષ્ટિએ સમાજમાં ત્યાગીઓ હશે તો તે સમાજ ચડેલો કે શુદ્ધ નહિ હોય; કારણ કે, તેમાં ત્યાગીના વેશમાં રહી એવી રીતે ભોગ સેવાતો હશે કે જેથી ત્યાગ પાળ્યો ગણાય અને ભોગ પણ પોષાય. એવી સ્થિતિમાં ત્યાગીઓ વચ્ચે સીધી રીતે પૈસો મેળવવાની કે સંઘરવાની ગૃહસ્થોની પેઠે હરીફાઈ નહિ હોય, પણ બીજા કરતાં વધારે પૈસાદાર શિષ્યોને રીઝવી, સમજાવી, પોતાના બનાવી રાખવાની ગૂઢ હરીફાઈ તો અવશ્ય હશે. અને એવી હરીફાઈમાં તેઓ જાણે કે અજાણે સમાજની સેવા કરવાને બદલે કુસેવા જ વધારે કરતા હશે. તેથી ઊલટું, સમાજમાં જો ધર્મદ્રષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org