________________
આજે તેઓની ઉંમર ૮૭ વર્ષની થઈ છે. છેલ્લાં સાત વર્ષથી લગાતાર અમારી સામે જ છે. ઉગ્ર વિહાર યાત્રા કે ગોચરી જવાની આઉટડોર સાધનાના સંયોગ હવે ભલે નથી. છતાં વાંચન, જાપ આદિ ઈન્ડોર સાધના દ્વારા જીવનમાં આધ્યાત્મિક આનંદના રસને ઘૂંટડે ઘૂંટડે પી રહ્યા છે. એમ લાગે છે કે તેમના ઝાકઝમાળ વૃદ્ધત્વ આગળ આપણા જેવાનું યૌવન લાજે છે.
રોજના કલાકો સુધી તેઓ વાંચન કરે. અગત્યની પંક્તિઓને પેન્સિલથી સાઈડમાં માર્ક કરી લે. પછી અગત્યના મુદ્દા પોતાની એક ડાયરીમાં ઉતારી લે. રમૂજમાં એક વાર મેં એમને પૂછેલું: “હવે આ મુદ્દા ઉતારીને શું કરશો?' મને હસતાં હસતાં કહે : “ઉતારી રાખેલા હોય તો ઘડપણમાં કામ લાગે ને!' પછી હસતાં હસતાં મને એક ગજબનો અંગ્રેજી ક્વોટ સંભળાવ્યો. મને કહે : "That man is old, Whose mind is weak. આપણે તો ઘડપણને શરીરની નિર્બળતા સાથે સાંકળનારા. એટલે આ વ્યાખ્યા નવી લાગી. પણ વિચારતાં લાગ્યું કે ઘડપણની ખરી વ્યાખ્યા એક ૮૭ વર્ષના યુવાન પાસેથી મળી. જેવું મન તેવો માનવી.” જેનું મનનબળું તે ઘરડો.
વાત સાચી પણ છે જ ને! સંયોગ પ્રમાણે ચાલી ન શકે તે મનની નબળાઈ કહેવાય અને તેને ખરું ઘડપણ કહેવાય. ખેંચાવું કે ઘસડાવું પડે તેવું ઘડપણ જીવનના ચોથા દાયકામાં આવી શકે અને શક્ય છે કે જીવનના આઠમા દાયકામાં પણ તે ન આવે. | વાંચન, સ્વાધ્યાય, જપયોગ ને કાયોત્સર્ગ જેવા પલાઠી મારીને બેઠાં બેઠાં સેવી શકાય તેવા યોગોનું મહત્ત્વ હવે સમજાય છે. આ યોગો જીવનને ખીલતું રાખે છે, મોઢાને હસતું રાખે છે અને સમયને વહેતો રાખે છે.
- મનનો મેડિકલેઈમ (૯)