________________
ખાવામાં ધ્યાન નહીં રાખું તો ઝાડા થશે. આ વિચારણા માણસને સંયમમાં રાખે છે. વિજ્ઞાન એક ગોળી શોધી આપે છે જે રેચને કાબૂમાં રાખે. માણસ વચ્ચેનો વિકલ્પ કાઢે છે. “પહેલેથી જ ગોળી લઈને ખમણ ખાશું.' વિજ્ઞાન પહેલાં માણસના શરીરને બગાડવાની સવલત આપે છે. પછી તેના શરીરને સુધારવાની સવલત શોધે છે. પણ માણસના મનને સુધારવાની કળા તે વિકસાવી શકતું નથી.
ધારો કે કોઈ સરકાર ચોરી, ખૂન, બળાત્કારને કાયદેસરતા બક્ષવા દ્વારા એક બાજુ અપરાધવૃત્તિનું વ્યાપારીકરણ કરે અને સાથે જ જેલના આધુનિકીકરણનો પ્રોજેક્ટ હાથ ધરીને થ્રી સ્ટાર, ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર જેવી જેલોનું નિર્માણ કરે તો તેને માનવસેવા અને પ્રજાહિત ગણી શકાય ખરું? વિજ્ઞાને અમર્યાદ વિલાસના ભરપૂર સાધનો આપવા દ્વારા એક બાજુ માનવીય મનમાં રહેલી અપરાધવૃત્તિના ગુણાકાર કર્યા છે અને ભોગતિરેકના કારણે સર્જાતી સ્વાથ્ય સમસ્યાની ચિકિત્સા કરી આપી છે.
ધર્મ સદાચારનો મહિમા સમજાવે છે. વિજ્ઞાન દુરાચારને લીધે થનાર રોગ સામે લડત ચલાવે છે. માણસના મગજને બગાડતી યંત્રણાઓની સાથે તેના શરીરને સુધારતી પ્રક્રિયાઓ શોધી આપતાં વિજ્ઞાનને પ્રગતિશીલ કહેતા પહેલા વિચારવા જેવું નથી લાગતું?
જીવનમાં સ્વાવલંબનનું મહત્ત્વ વિરાટ વિશ્વને વિજ્ઞાને એક ગામડું બનાવી દીધું છે. ઘડીના છઠ્ઠા ભાગમાં માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં માણસ ધારે ત્યાં સંદેશો પહોંચાડી શકે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં માણસ ધારે ત્યાંથી વસ્તુ કે વિગતો મેળવી શકે છે.
– મનનો મેડિકલેઈમ (૭૫)