________________
કોઈ ભૂલ બતાવે તો પણ મન બગડે છે. કોઈ ખોટા સતાવે તો પણ મન બગડે છે. નાનો બાબલો રડ્યા કરે તો પણ મન બગડે છે. મચ્છર, માંકડ કરડ્યા કરે તો પણ મન બગડે છે. ચા મોડી મળે તો પણ મન બગડે છે. દાળ મોળી મળે તો પણ મન બગડે છે.
દૂધ અમુક સમય પછી જ બગડે. દહીં અમુક સમય પછી જ ખટાશ પકડે. કરંડિયામાં રહેલી કેરી અમુક દિવસો પછી જ સડે. પણ આપણું મન તો કંઈક ગજબની ચીજ છે. તે ક્યાં બગડશે? ક્યારે બગડશે? અને કયા કારણે બગડશે? તેની કોઈખાતરી આપી શકાતી નથી.
- કપડાંની કિંમત સમજાય છે તો તેની સાચવણ સાહજિક બને છે. જે પૈસાનું મૂલ્ય જાણે તે વેડફતો નથી. દિવસમાં માંડ બે કલાક જ પાણી આવતું હોય કે બેડું પાણી મેળવતા માટે પૂરા બે ગાઉ સુધી ચાલવું પડતું હોય ત્યારે કયો નાદાન પાણીનો બગાડ કરે? પ્રસન્નતાની ભારે અછતવાળો વિસ્તાર એટલે આપણું જીવન! માંડ માંડ હાથ લાગેલી પ્રસન્નતાને ખંડિત કાં કરીએ?
અસંજ્ઞીપણાના કેટલાય ભવોમાં ભ્રમણ કર્યા પછી મળેલું આ મોંઘેરા રત્ન સમું મન દૂષિત કરવા માટે મળ્યું નથી.
આપણો ખરો આંતરિક વૈભવ છે ચિત્તપ્રસન્નતા... જીવનનીખરી જાહોજલાલી છે ચિત્તપ્રસન્નતા. સંજ્ઞીપણાની ખરી સાર્થકતા છે ચિત્તપ્રસન્નતા... માનવમનનું અમૂલખ ઘરેણું છે ચિત્તપ્રસન્નતા.
- મનનો મેડિકલેઈમ (૯૯)