________________
કોઈ છેવટે મૂડી પણ કઢાવી શકતા નથી. કોઈ હાથ ઊંચા કહી દે છે. કોઈ નીચું મોં કરી દે છે, કોઈ આંખ આડા કાન કરે છે, તો કોઈ વળી ઉતાવળે આંખો મીંચી દે છે. દુર્ભય એ દુર્ગાન, અપમૃત્યુ અને દુર્ગતિ સુધી વ્યક્તિને પહોંચાડી શકે છે.
સંપત્તિ અને સાધનવાળાને સુખ માટે હજી રાહ જોવી પડે છે, જ્યારે સંતોષીને તો વર્તમાનમાં જ નિરાંત અને નિશ્ચિતતાની અનુભૂતિ થાય છે. સંતોષ એ આજનો યુગધર્મ છે. સાદગી એ ચિત્તસમાધિની શરીરરચનાની કરોડરજ્જુ છે. તૂટેલી કરોડરજ્જુવાળો ટટ્ટાર ઊભો રહી શકતો નથી. ગૌરવભેર સાદગીને ગુણસ્વરૂપે જેઓ સ્વીકારી શકતા નથી, તેવાને સજા સ્વરૂપે સાદગીને પરાણે વેઠવી પડેતો નવાઈ નહીં.
પહેલાના લોકોનું જીવનસૂત્ર હતુંઃ “જરૂરિયાતો ઘટાડીને પણ બચત કરો.' આજે લોકોનું જીવનસૂત્ર બન્યું છે : “દેવું કરીને પણ જલસા કરો.' જિનમંદિરાદિનું નિર્માણ થયા પછી અમુક રકમને મૂળનિધિ તરીકે સ્થાપી રાખવાનું શાસ્ત્રોમાં વિધાન છે, જેથી અવસરે તે કામ લાગી શકે. આ જ રીતે નીતિશાસ્ત્રજ્ઞ પુરુષોએ આવકના ચોથા ભાગને બચત ખાતે જમા કરવાનું સૂચવ્યું છે. આ બધા પૂર્વ પુરુષોને હૈયે લોકહિત વસેલું હતું. તેઓને સહુની સમાધિની ચિંતા હતી જ્યારે આજે કેટલાક પોતાની સમાધિ અંગે પણ બેફિકર છે.
માણસ માંદો પડે ત્યારે દવા લે છે. તે દવાને આરોગ્યનું કારણ માને છે, છતાં જેમ જેમ દવા લેવાનું ઘટતું જાય તેમાં જ તેને આનંદ થાય છે. થોડા દિવસ પછી ડૉક્ટર જો ગોળીની સંખ્યા કે દવાના ડોઝ વધારી દે તો તેને ધ્રાસ્કો જ પડે. આનો અર્થ એ થયો કે દવા એ આરોગ્યનું કારણ છે, તે ગૌણ સત્ય છે. દવા એ અનારોગ્યનું લક્ષણ છે એ મુખ્ય સત્ય છે. જે વાત દવા માટે છે તે જ વાત વસ્તુઓ માટે પણ સમજવી.
–---– મનનો મેડિકલેઈમ (૬૦)