________________
બાજુવાળાના આધાર પર અને અભિપ્રાયોના મદાર પર નક્કી કરે છે તે લોકો સુખનું સરનામું ભૂલી જાય છે. કેટલાક તો વસ્તુ ઊંચી હોવાથી નહીં પણ સ્ટોર ઊંચા દરજ્જાનો હોવાથી ખરીદી વખતે વધુ મૂલ્ય ચૂકવે છે. જીવન જરૂરીયાતની બધી જ વસ્તુઓ ઉપરવાળાને નજર સામે રાખીને લાવવાની.” આજની પેઢીની આ મનોદશાનો જેને ખ્યાલ છે તેવા લોકો પોતાના માલની ખપત માટે માત્ર એટલું જ કહી દે કે “ઊંચે. લોગ કી ઊંચી પસંદ!' એટલે પત્યું ! બધાએ એને જ પસંદ કરવાની.
આજે પબ્લિસિટિ અને એડવર્ટિઝમેન્ટના પણ રીતસરનાં શાસ્ત્રો છે. તેના પણ કોર્સ ચાલે છે. તેનું પણ ભારે શિક્ષણ અપાય છે. કોમર્સમાં તેના ઉપર સારો એવો ભાર અપાય છે. આજે કોઈ પણ માલ તેની ગુણવત્તા પ્રમાણે ખપતો નથી. તેની પબ્લિસિટિ પ્રમાણે જ ખપે છે. બીજી વાત, મોટા ભાગની ખરીદી આવશ્યકતા પ્રમાણે નહીં પણ આકર્ષકતા પ્રમાણે થાય છે.
કેટલીક વાર એક સાડીની ખરીદી કરવા ગયેલા, પૂરા ચાર કલાકના સમય બાદ અને આઠ દુકાનોનું અવલોકન કર્યા પછી ખાલી હાથે પાછા ફરે છે. એકેય સાડી પસંદ ન પડવાથી ખરીદી થઈ શકતી નથી.
ક્યારેક બધી જ સાડી પસંદ પડી જવાથી ખરીદી થઈ શકતી નથી. પસંદગીની મૂંઝવણમાં અટવાયેલો માણસ છેવટે મૂંઝવણની જ પસંદગી કરીને પાછો ફરે છે. આવા લોકો માટે પ્રસન્નતા જાળવવી ખૂબ અઘરી થઈ પડે છે.
શોપિંગ કરવા ગયેલો ખિસ્સામાં શું છે તેના આધારે નહીં પણ બજારમાં શું છે તેના આધારે ખરીદી કરે છે. રસોઈના પ્રમાણ મુજબ નહીં પણ પેટની ક્ષમતા મુજબ ભોજન કરવાનું હોય છે. સ્વાથ્યના આ સીધા નિયમને ભૂલી જઈને માણસે પોતાના મનને બીમાર અને જીવનને બિસ્માર હાલતમાં લાવી મૂક્યું છે.
--
-– મનનો મેડિકલેઈમ (૫૮)
*