________________
લગભગ બે વર્ષથી આ ભયાનક રોગથી તે ઘેરાયો હતો. કેન્સરનું દર્દ આમ પણ દયા ઉપજાવે અને તેમાં પણ બાલ્યવયમાં થયેલા રોગના આક્રમણે આખા ઘરને શોકમગ્ન કરી દીધેલું. દીકરો પણ અસહ્ય વેદના વચ્ચે બેચેન હતો. ઘરના બધાને એમ પ્રતીત થઈ ગયું હતું કે હવે મૃત્યુને અટકાવી શકાય તેમ નથી. પણ આ દીકરાના સનસીએ ઘરમાં એક એવું પાત્ર હતું, જે આવી કપરી સ્થિતિમાં પણ દાદ માંગી લે તેવી મક્કમતાથી આ મામલાને સંભાળવા માંગતું હતું. તે પાત્ર એટલે દીકરાની મમ્મી. રાત્રે ઘરના બધાને બોલાવીને તેમણે કહ્યું: “આપણે મોતને અટકાવી શકવાના નથી તે વાત કબૂલ, પણ મોતને સુધારી શકવાની તક તો હજી પણ જીવંત છે. દીકરો આપણા કુટુંબમાં આવ્યો છે તો તેનો આ ફેરો સાર્થક બની રહે તેવું કંઈક કરીએ.”
બીજા દિવસથી જ ઘરના બધાએ જાણે કે લક્ષ્ય બનાવ્યું અને ક્રમસર થોડા થોડા અંતરે સહુ દીકરાને કંઈક સારું સંભળાવતા. તેની નાની બહેન તો એવી ભાવવાહી સ્તુતિઓ સંભળાવે કે સાંભળનારની આંખો ભીની થઈ જાય. | મમ્મી તો જાણે કૃતનિશ્ચયી હતી. પ્રભાવશાળી નવસ્મરણ સંભળાવે, ઋષિમંડલ સ્તોત્ર સંભળાવે, ક્યારેક માત્ર ઈરિયાવહિયા સૂત્ર, તેના એક એક પદનો અર્થબોધ કરાવવા પૂર્વક સંભળાવે અને માથે વહાલથી હાથ ફેરવતી જાય અને સમજાવતી જાય, “બેટા!ભૂતકાળમાં અનેકને પીડા આપવામાં નિમિત્ત બન્યા હશું તેનું ફળ ભોગવવાનો વખત બહુ જલ્દી આવી ગયો છે. પણ જોજે હોં! ઢીલો ન પડતો. માંદગી કઈ રીતે ભોગવાય તે તારે અમને શીખવવાનું છે. માતા પ્રત્યે અનહદ પ્રેમ ધરાવતો દીકરો હકારમાં માથું ધુણાવતો. .
મમ્મી રોજ સવાર-સાંજ દીકરાને ચોદ નિયમો પણ ધરાવતી.
---
– મનનો મેડિકલેઈમ (૪૫)