________________
7 વિપત્તિકાળની વીમાયોજના
થોડા વખત પૂર્વે મુંબઈ સ્ટોક એક્સચેન્જની ઈમારતમાં અચાનક ભયજનક સાઈરન વાગી હતી. લાલ બત્તીઓ થવા લાગી. પછી તો ભય અને ભાગદોડ. સમગ્ર ઈમારતને તત્કાળ ખાલી કરવાની અર્જન્ટ સૂચના અપાતા માત્ર પંદર મિનિટમાં જ તે સમગ્ર ટાવર ખાલી કરાયો.
પાછળથી ખબર પડી કે મુંબઈમાં બે-ત્રણ સ્થળે થયેલા બૉમ્બધડાકાના પગલે અને આતંકવાદી હુમલો થવાની દહેશતના કા૨ણે આવું એક પૂર્વ આયોજિત નાટક કરાયું હતું. ધારો કે જીજીભોય ટાવર ધણધણી ઊઠવાની નોબત વાગે તો શું કરવું ? અને તેને ખાલી ક૨ાવતા કેટલો સમય લાગે ? તેની આ રીતે ચકાસણી કરાઈ હતી.
આજનો યુગ એ મૅનેજમેન્ટનો યુગ કહેવાય છે. વાસ્તવમાં આ યુગમાં ક્રાઈસિસ મૅનેજમેન્ટની વધુ બોલબાલા છે. કાર્યોને પાર પાડવાની આવડત કરતાં પણ ક્યારેક આવી પડતી આકસ્મિક કટોકટીને પહોંચી વળવાની આવડત એ ખરેખર કળારૂપ છે. અથવા સાધનારૂપ કહો તો પણ ચાલે.
સ્કૂલ-કૉલેજના પરીક્ષાપત્રોમાં વિદ્યાર્થીને નિબંધ લખવા માટે વિષય અપાય છે. જો હું શિક્ષણ મંત્રી થાઉં તો... ! જો હું કરોડપતિ બનું તો... ! જો હું વડાપ્રધાન બનું તો... ! આવા વિષયો આપીને વિદ્યાર્થીનો કલ્પના-શક્તિનો અંદાજ કઢાય છે. આ બહાને તેવા સંયોગોમાં કઈ રીતે રહેવું, તેની કલ્પના કરવાની એક સરસ તક તેને અપાય છે.
કેવળ કલ્પનાશિલ્પ અને હવાઈકિલ્લા જેવી લાગતી આ પ્રથાનો વધુ હિતકર રીતે સર્જનાત્મક ઉપયોગ કરવો જોઈએ. ક્યારેક આપણે પણ આવા વિષયો ૫૨ થોડું ખેડાણ કરી શકાય ખરું.
-----
મનનો મેડિકલેઈમ ૪૯
----