________________
આપણે ત્યાં મૌન પાળવાની પરંપરા છે. મળેલી વચનલબ્ધિ પર સંયમ રાખવાના હેતુની સાથે અચાનક આવી પડનારીવાચા પ્રતિબંધની તકલીફ વચ્ચે પણ અડીખમ ઊભા રહી શકવાની એને તાલીમ કેમ ન ગણી શકાય?
આપણે ત્યાં ધ્યાનની પરંપરા છે અને ધ્યાનમાં આંખો બંધ રાખવાની પરંપરા છે. આની પાછળ એકાગ્રતાનો મુખ્ય હેતુ તો છે જ, સાથે અચાનક આવી શકનારી અંધાપાની આપત્તિ વખતની સ્વસ્થતા માટેની સજ્જતા આને કેમ ન ગણવી?
આપણે ત્યાં જાપ અને કાયોત્સર્ગની પરંપરા છે. ઘેર્યની સાધનાની ભીતરમાં જતાં જણાશે કે અચાનક પથારી-પરવશતા આવી પડે ત્યારે તન સાથે મન પણ પથારીમાં સમાઈ શકે તે માટેની આને પૂર્વ તૈયારી કેમ ન કહેવી?
આપણે ત્યાં ઉપવાસની પરંપરા છે. તપસ્યા દ્વારા કર્મક્ષયનું લક્ષ્ય સર કરવાના ઉદ્દેશની પાછળ જુઓ કે કેવી દીર્ધદષ્ટિ વણાયેલી છે. ક્યારેક ખોરાક બંધ થઈ જવાની દશા આવી ચડે તો પણ ટકી રહેવાની ઝિંદાદિલી દાખવી શકવાની પૂર્વ તૈયારી તેને ન ગણી શકાય?
આપણે ત્યાં સાદાઈની અને સંયમની પરંપરા છે. આરંભસમારંભના ત્યાગનો ઉદ્દેશ તો તેની પાછળ છે જ. પણ સાથે આને ઓછાથી ચલાવતા શીખવાની તાલીમ કેમ ન કહેવી?
આપણે ત્યાં ધનના પરિગ્રહને સીમિત રાખવાની, પરિમાણની પાવન પરંપરા છે. અર્થલાલસા અને ભોગરસને તેનાથી કાબૂમાં રાખી જ શકાય છે. પણ સાથે અચાનક આર્થિક સંકડામણ આવી પડે તો તેવી કપરી સ્થિતિમાં ટકી રહેવાની એ પૂર્વતૈયારી ન બની શકે?
----
– મનનો મેડિકલેઈમ (૫૩)