________________
હીરસૂરીશ્વરજી મહારાજને પીઠમાં એક ગુમડું થયેલું. તે ગુમડાને કારણે ખૂબ કળતર થતું હતું. પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન પણ સારી એવી પીડા વર્તાતી હતી. પ્રતિક્રમણ બાદ કોઈ શ્રાવક સેવા કરવા આવ્યા. આચાર્ય ભગવંતે નિષેધ કર્યો છતાં પેલા પરાણે પીઠ દબાવવા લાગ્યા. તેને તો એમ કે પીઠ દુઃખે છે તો થોડી હળવાશ લાવી દઉં... તેમાં પેલું ગુમડું ફૂટી ગયું...પાર વગરની પીડા થઈ હશે. પણ આચાર્ય ભગવંત તો એક આકસ્મિક ઊંહકારા બાદ સ્વસ્થ રહ્યા. પેલા શ્રાવકનો તો જીવ બળી ગયો. ગુરુદેવ! આવું ગુમડું થયેલું તે આપે કાંઈ કહ્યું પણ નહીં?' ત્યારે આચાર્ય ભગવંતે આપેલો હૃદયવેધક પ્રતિભાવઃ “ગુમડા પર ગુમડું થયું તેની ચિંતા શું કરવી?'
પંખા ચાલે નહીં તો પણ મન અકળાય, ને પથારી સરખી ન પથરાય તો પણ મનમાં સળ પડી જાય. દેહદૃષ્ટિના આવા નઝારાની સામે શરીરને ગુમડાની દૃષ્ટિએ જોનારાને જોતાં જોતાં પેલા શ્રાવક ચાલ્યા ગયા. સવારે આવીને સહજ પૂછ્યું: “સાહેબજી! હવે રાહત થઈ?' ત્યારે પાછો જવાબ આપ્યો : “મને તો મૂળ ગુમડાની પીડા વધુ છે. તેનો કાયમી નિકાલ થાય તો જ રાહત થાય.” નાનકડી ફોલ્લી વખતની આપણી મનોદશાને આવા કોઈ સાયકોગ્રાફ સાથે સરખાવતાં જ વામન અને વિરાટ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જાય.
કેવી અપૂર્વ સાધક દૃષ્ટિ! શરીર એ જ ગુમડું. પછી તેના પર ગુમડું થાય કે રૂનું પૂમડું મુકાય, સાધકને શું ફરક પડે? જે તકલીફ છે તે મૂળ ગુમડાની છે. કેવી મજાની છે આ અધ્યાત્મની દુનિયા! કોઈ શરીરને શિંગડું માને તો કોઈ શરીરને ગુમડું માને. આખરે તો આત્માને વળગેલો નકામો ભાર.
આવી જ કો'ક સર્ચલાઈટના પ્રકાશમાં શરીરને જોતાં આવડી જાય તો તેને શરીર સાક્ષાત્કાર કહી શકાય. જ્ઞાની અને અજ્ઞાનીમાં ભેદ શાથી પડે? હાથ, પગ ને આંખ-કાન તો બંનેના સરખા જ હોય છે. જે ભેદ પડે છે તે દૃષ્ટિકોણના આધારે જ પડે. વસ્તુઓને મૂલવવાની શૈલી
----– મનનો મેડિકલેઈમ (૩૦)