________________
ગયા વિશ્વયુદ્ધમાં એક ઘાયલ સૈનિકને ફ્રાન્સની હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના પગનો પંજો ખૂબ ખરાબ રીતે છુંદાઈ ગયો હતો. તેનો પગ કોઈ ભારે વાહનની નીચે આવી જવાથી પંજાનો કૂચો થઈ ગયો હતો અને સૈનક તો લગભગ બેભાન જેવો જ હતો.
પગની બધી ચકાસણી કર્યા પછી ડૉક્ટરોએ નિદાન કર્યું કે સૈનિકનો પગ કાપીને તેના પંજાને સાવ અલગ કરી દેવો પડશે. તે વગર છૂટકો જ નહોતો. કારણ કે જો પગ કાપવામાં ન આવે તો પંજો સડતો જાય અને સડો આગળ વધતાં છેવટે આખો પગ કાપવાનો વખત આવે. ડૉક્ટરે સૈનિકને દવાઓ આપી બેભાન કર્યો અને તેના પગનું આપરેશન કરીને તેમાંથી પંજો અલગ કરીને કાઢી નાંખ્યો. પછી દર્દનાશક દવાઓ આપીને સૈનિકને સુવડાવી દેવામાં આવ્યો..
ઓપરેશન બાદ લગભગ પૂરા ચોવીસ કલાક સૈનિક ભાનમાં આવ્યો. પગના પંજામાં તેને ખૂબ વેદના થતી હોવાની તેણે ફરિયાદ કરી. તેનો પગનો પંજો કાઢી નંખાયો છે તેની તે સૈનિકને ખબર જ નહોતી. તે પંજામાં થતી પીડાની સતત ફરિયાદ કરતો રહ્યો માટે ડૉક્ટરોએ તેના પગ ઉપરનો ઓછાડ દૂર કરીને તેને બતાવ્યું કે તેના પગનો પંજો તો કાઢી નાંખવામાં આવ્યો છે એટલે પંજામાં પીડા થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.
પેલો સૈનિક આમ છતાં પણ માન્યો નહીં. ગમે તે હોય પણ પંજાના ભાગમાં સતત અને સખત પીડાનો અનુભવ થતો હોવાનું તેણે જણાવ્યું. છેવટે જ્ઞાનતંતુઓના નિષ્ણાંત ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ઝીણવટભરી તપાસ કરીને તેમણે તારણ કાઢ્યું કે પગના પંજાથી મગજ સુધી પહોંચનાર જ્ઞાનતંતુઓ હજુ સતત ઝણઝણી રહ્યા છે અને તેને કારણે સૈનિકને વેદના થતી હોય તેમ લાગે છે.
---– મનનો મેડિકલેઈમ (૩૬)