________________
ડાયાલિસિસના સહારે જીવતા દર્દીની અવદશા જોઈને કેવી ધ્રુજારી થાય છે? હર્પિસ કે સોરાયસિસનું નામ પડતાં પ્રત્યેક રૂંવાડે કેવી કંપારી અનુભાય છે! બની ગયેલી કોઈ વ્યક્તિનીદાહપીડા અને કદરૂપો ચહેરો જોયા પછી તો જમવાનું ભાવતું નહોતું. કોઈને માથામાં આવેલા ચાલીસ ટાંકા જોયા પછી કેવો ડર લાગતો હતો! તે પછી હિંસાકારી પ્રવૃત્તિ કે પીડાકારી પ્રવૃત્તિ કરતાં ગભરાટ શું નથી થતો?
બહારનું ખાવાને કારણે થયેલા ફૂડ પોઈઝનિંગથી આપણે સાવચેત બની જઈએ છીએ. વધુ પડતું ખાવાના કારણે થઈ ગયેલા ઝાડા-ઊલટીથી આપણને સંયમનો મહિમા સમજાઈ જાય છે. દાદરા પરથી પટકાઈ જતા કો'કને થયેલું ફ્રેક્ટર જોઈને આપણી દાદરા ઊતરવાની સ્ટાઈલ બદલાઈ જાય છે. ઉતાવળે ઊઠવા જતા ઉપરના કબાટનો ખૂણો વાગવાથી કો'કના માથામાં ઊંડો ચીરો પડેલો જાણીને ઊઠવા-બેસવાની આપણી પ્રક્રિયામાં સાવચેતીનો ઉમેરો થાય છે. હવાથી અચાનક બારી બંધ થતાં કો'કની આંગળી છુંદાઈ ગયેલી જાણીને ખુલ્લી બારીને કડીલગાડવાનું આપણે ચૂકતા નથી.
બીજાની માંદગી કે પીડા જો આપણા માટે પ્રતિબોધક બનતી હોય તો આપણી માંદગીમાંથી બીજા અનેકોને શું કોઈ પ્રેરણા નહીં મળે? આપણી માંદગીમાં આપણને ભૂતકાળમાં આપણે કરેલી ભૂલો જોવા મળે છે. તો બીજાઓને તેમાં ભવિષ્યમાં નહીં કરવાની ભૂલો જોવા મળે છે. આમ જોઈએ તો આપણી માંદગી તો એક જાહેર વ્યાખ્યાન છે. અનેકને સાચવણ, સાવચેતી, સંયમ અને સાવધાનીનો ઉપદેશ આપીને અગાઉથી જ બચાવી લેતીમાંદગી તો એક વરદાન છે.
---- મનનો મેડિકલેઈમ (૨૭)