________________
૧૩૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા સ્થળવર્ણનની પરંપરાને અનુસરીને કવિરાજ દીપવિજયે વટપદ્ર, ખંભાત, પાલનપુર, સુરત, ઉદેપુર અને શિનોરની ગઝલો રચી છે. તેમાં સમકાલીન ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય છે. તેનો રચના સમય સં. ૧૮૭૭ની આસપાસ છે. વટપદ્રની ગઝલ સં. ૧૮૫રમાં રચાઈ છે.
કવિ આત્મારામજીએ પૂજા સાહિત્યની રચનામાં ગઝલ અને રેખતાનો પ્રયોગ કરીને નવા વિષયોને સ્થાન આપ્યું છે. પૂજા સાહિત્ય ભક્તિ–માર્ગની પરંપરાનું એક મુખ્ય અંગ છે. ભક્તિના માધ્યમ દ્વારા પ્રભુ સાથે એકાગ્રતા સાધવાની સર્વસાધારણ જનતાને સાનુકૂળતા પ્રાપ્ત થાય છે. તે દૃષ્ટિએ કવિની ભક્તિપ્રધાન રચનાઓમાં દેશીઓની સાથે ગઝલને રેખતાનો પ્રયોગ થયો છે, જે જૈન સાહિત્યની ગઝલના ઇતિહાસમાં નોંધપાત્ર બને છે.
કવિ મનસુખલાલે આધ્યાત્મિક વિચારધારાને પોતાની ગઝલોમાં સ્થાન આપ્યું છે. શુદ્ધ આત્મતત્વના વિચારોને વ્યક્ત કરતી આ ગઝલો જૈન સાહિત્યનું નવલું નજરાણું છે. તેમાં ભક્તિ તો ખરીજ પણ વિશેષતઃ આત્મસ્વરૂપની પિછાન માટેના વિચારો કેન્દ્રસ્થાને છે.
ઉપાધ્યાય વીરવિજયજીએ ભક્તિ–માર્ગની લોક પ્રચલિત સ્તવનોની રચનામાં “ગઝલ' નો પદબંધ સ્વીકાર કર્યો હતો. એમણે સ્તવન ચોવીસીને અંતે કળશ રચનામાં રેખતાનો પ્રયોગ કર્યો છે. જૈન કવિઓની મોટાભાગની કૃતિઓમાં દેશીઓનું અનુસરણ થયું છે. તેની સાથે સમકાલીન પ્રભાવથી ગઝલ-રેખતાનો પ્રયોગ થયો છે.
કવિ હંસવિજયના પૂજા સાહિત્યમાં ગઝલોનો પ્રયોગ થયો છે તેમાં ગિરનારમંડન નેમિનાથ ભગવાનનાં ગુણગાન સાથે તીર્થ મહિમા વર્ણવ્યો છે. આ વર્ણનમાં દેશીઓની સાથે ગઝલનો પ્રયોગ થયો છે. વિષયની દૃષ્ટિએ હંસવિજયનું નામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
જૈન સાહિત્યની ગઝલોમાં મુખ્યત્વે તીર્થકર ભગવંતના જીવન પ્રસંગો દ્વારા ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. ત્યાગ અને વૈરાગ્યની ભાવનાનું પોષણ અને આત્મસ્વરૂપ પામવા માટે અનિવાર્ય ગુણોનું સંવર્ધન થાય તેવા પ્રેરક વિચારો પ્રગટ થયેલા છે. માનવતાના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક ગઝલોનું સર્જન થયું છે. જેમાંથી વ્યક્તિના વ્યક્તિત્વને ઉદાત્ત બનાવવામાં ચિંતનાત્મક વિચારો સ્થાન પામેલા છે. ભક્તિ, યોગ કે જ્ઞાન ગમે તેનો આશ્રય લેવામાં આવે પણ તે સાધન છે, સાધ્ય નથી એવો દઢ સંકલ્પ કરીને સાધન દ્વારા સાધ્યઆત્માની મુક્તિ છે તે લક્ષમાં રાખીને આત્માના શાશ્વત સુખની એક અને અવિચ્છિન્ન મહત્વકાંક્ષા પરિપૂર્ણ થાય તે માટેના વૈવિધ્ય સભર વિચારો ગઝલોમાં સ્થાન પામ્યા છે. ગઝલમાં જે મિલન-વિરહ જેવા ભૌતિક પ્રણયની અભિવ્યક્તિ હોવી જોઈએ તેને બદલે આ ગઝલોમાં અધ્યાત્મ પ્રેમ-વિરહ-મિલનની હૃદયસ્પર્શી ભાવવાહી પ્રાર્થના જેવી આધ્યાત્મિક વાણી વણાઈ ગયેલી છે. પ્રેમનાં સર્વ પ્રકારોમાં શ્રેષ્ઠ પ્રભુ પ્રેમ છે. એવો પ્રધાન સૂર વારંવાર પ્રગટ થયો છે.
ગઝલમાં વિષય વૈવિધ્યની દૃષ્ટિએ વિચાર કરતાં લબ્ધિસૂરિ પછી વલ્લભસૂરિનું સ્થાન આવે છે. એમણે પરંપરાગત વૈરાગ્ય-બોધવાળી ગઝલો ઉપરાંત તીર્થ મહિમા, પર્વની ઉજવણી અને ભક્તિ ભાવવાળી ગઝલોનું સર્જન કરીને આ કાવ્યપ્રકારને સમૃદ્ધ કર્યો છે. વલ્લભસૂરિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org