________________
૧૫૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આધારભૂત માહિતી પૂરી પાડે છે. પ્રભુભક્તિ વિષયક લાગણીઓ સ્તવન કાવ્ય પ્રકાર સાથે અને ઉપદેશાત્મક લાગણીઓ સજઝાય કાવ્ય પ્રકાર સાથે સામ્ય ધરાવે છે. લાવણી સુગેય પદ્યરચના હોવાથી સમાજમાં સમૂહમાં કે ભક્તિ નિમિત્તે ગાવાની પ્રથા પ્રચલિત હોવાનો પૂરેપૂરો સંભવ છે. જૈન સમાજમાં “રાસ' ગવાતા હતા અને ખેલાતા હતા તેવી રીતે ધાર્મિક તહેવારો અને જિનભક્તિ માટે લાવણીઓ ઉત્સાહથી ગવાતી અને લોકો સાંભળીને ભક્તિરસમાં તલ્લીન થતા હતા એવો વિચાર ઉપલબ્ધ લાવણીઓમાંથી ગર્ભિત રીતે પ્રાપ્ત થાય છે. લાવણીને કલાત્મક બનાવવા માટે પ્રચલિત દેશીઓ અને છંદનો પ્રયોગ થયો છે. લાવણીમાં દેવગુરુની કૃપાનો ઉલ્લેખ થયો છે. ભક્ત અને ભગવાનનો સંબંધ ભક્તિમાર્ગમાં સર્વ સામાન્ય રીતે નિહાળી શકાય છે. કવિઓએ કાવ્યરચના કરી તેમાં સરસ્વતીની કૃપા સાથે ઇષ્ટદેવ, ગુરુની કૃપા પણ ભાગ ભજવે છે તે ઉપરથી ગુરુ-શિષ્યના સુમેળભર્યા સંબંધનો પરિચય થાય છે. લાવણીમાં ભક્ત કવિઓએ પોતાની જાતને દાસ-કિંકર-સેવક માનીને પ્રભુનું શરણ સ્વીકાર્યાનો સહજ એકરાર કરીને ભવભ્રમણથી મુક્ત કરવા માટે આદ્રભાવે વિનંતી કરી છે. આ પ્રકારની અભિવ્યક્તિમાં કાવ્યને અનુરૂપ રસિકતા-લાગણી અને ભક્ત હૃદયના સુકુમાર ભાવના પ્રગટ થઈ છે.
મરાઠી ભાષાની લાવણીમાં પ્રભુભક્તિ, ઉપદેશ શૃંગાર અને મનોરંજન જેવા વિષયોનો સમાવેશ થયો છે. આરંભની લાવણીઓ પ્રભુભક્તિ અને ઉપદેશ વાણીથી સમૃદ્ધ છે પણ કાળક્રમે તેમાં પરિવર્તન થયું અને સાત્વિક વિચારોની લાવણીઓ શૃંગાર રસયુક્ત બની અને રાત્રિના સમયે મનોરંજન થાય તેવા વિચારોથી લાવણીઓ રચાઈ છે જ્યારે જૈન સાહિત્યની લાવણીઓમાં કાળક્રમે કોઈ પરિવર્તન આવ્યું નથી. ભક્તિ અને ઉપદેશના વિચારોને જ કેન્દ્રમાં રાખીને માનવકલ્યાણની ભાવનાને સ્પર્શે છે. એટલે ધાર્મિક સાહિત્યની આ લાક્ષણિકતા છે કે જેમાં સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન થયું છે.
લાવણીઓ ગુજરાતી ભાષામાં રચાયેલી છે. કોઈ કોઈ લાવણીમાં હિન્દી ભાષાના શબ્દપ્રયોગો થયા છે એટલે હિન્દી ભાષાના મિશ્રણવાળી ગુજરાતી ભાષાનો પ્રયોગ થયેલો જોવા મળે છે. જબ, તબ, અબ, ક્યું, હો, મેં, ચાહિયે, ઔર, તીન, ખિજમત, તેરા, મેરા, જિનકી સાધુઓ કવિઓ વિહાર કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ સ્થળોમાં વિચરતા હોવાથી એમની ભાષામાં હિન્દી શબ્દોનો પ્રયોગ સ્વાભાવિક રીતે થતો હોય છે, લાવણી સિવાયની અન્ય કાવ્યરચનાઓ સ્તવન, સજઝાય, પદ, હરિયાળી આદિમાં પણ હિન્દી ભાષાના શબ્દોનો પ્રયોગ થયો છે.
I surrender my self totally to vitrag, siddha sadhu and religion of vitrag.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org