Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રસ્તાવના
૧૩
આ ‘વિમલ’ શાખા પણ તપાગચ્છની ૧૮ શાખા પૈકીની જ એક શાખા છે. એ અઢાર શાખાનાં નામ આ પ્રમાણે છે. (૧) વિજય (૨) વિમલ (૩) સાગર (૪) ચંદ્ર (૫)હર્ષ (૬) સૌભાગ્ય (૭) સુંદર (૮) રત્ન (૯) ધર્મ (૧૦) હંસ (૧૧) આનંદ (૧૨) વર્ધન (૧૩) સોમ (૧૪) રૂચિ (૧૫) સાર (૧૬) રાજ (૧૭) કુશલ (૧૮) ઉદય. આજે પણ આ શબ્દો સાધુ મહારાજ સાહેબોના નામોમાં જોવા મળે છે.
પાટણમાં એક બ્રાહ્મણ પંડિતજી પાસે પૂજ્ય મલ્લવાદીજીએ રચેલા ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ ‘નયચક્ર’ નામના ગ્રંથની જૈન જ્ઞાનભંડારની એક પોથી (પ્રત) હતી જે બીજા કોઈ જ્ઞાનભંડારોમાં લભ્ય ન હતી. તે પોથી પંડિતજી પાસે માગતાં તેઓએ આપવાની ના કહી. તેથી તેઓ જ્યારે બહારગામ ગયા ત્યારે તેમનાં ધર્મપત્ની પાસેથી માત્ર પંદર દિવસ માટે તે પોથી મેળવી. અને પૂજ્ય યશોવિજયજી આદિ સાત મુનિરાજોએ સાથે મળીને તે ગ્રંથની સંપૂર્ણ કોપી કરી લીધી. શ્રુતજ્ઞાનની આવી ભક્તિ પાટણમાં ૧૭૧૦ના પોષ માસમાં કર્યાનો ઉલ્લેખ મળે છે તેથી તેઓ ૧૭૧૦માં ગુજરાતમાં આવી ગયા છે. આમ જણાય છે. પાટણથી વિહાર કરી શ્રી નયવિજયજી મ.શ્રી સર્વ મુનિવૃંદ સાથે રાજનગરમાં (અમદાવાદમાં) પધાર્યા. અમદાવાદના સંઘે તેઓશ્રીનું ભવ્ય સામૈયું કર્યું. તેઓશ્રીની વિદ્વાનપણાની અને કવિપણાની કીર્તિ ચારે તરફ ઘણી જ વ્યાપ્ત થઈ હતી. તે વખતે દિલ્હીમાં ઔરંગઝેબ બાદશાહ રાજ્ય કરતો હતો. તેના સુબા તરીકે ‘મહોબતખાન’ અમદાવાદમાં રાજ્ય ચલાવતો હતો. તેણે પૂજ્ય યશોવિજયજી મ.શ્રીના પાંડિત્યની કીર્તિ ધનજી શુરા આદિ શ્રેષ્ઠીગણ દ્વારા સાંભળી હતી. તે મહોબતખાન ઉદાર દીલવાળો હતો. તેને ઈચ્છા થઈ કે શ્રી યશોવિજયજી રાજ્યસભામાં આવે અને કોઈક ચમત્કારિક પ્રયોગ બતાવે. ધનજી શૂરા આદિ દ્વારા આમંત્રણ મોકલ્યું. જૈનશાસનની પ્રભાવના થશે એમ સમજીને ગુરુમહારાજે આજ્ઞા કરી, ગુરુજીની આજ્ઞા થતાં શ્રી યશોવિજયજી મ.શ્રીએ રાજ્યસભામાં આવીને ઘણી વિશાળ સભા સમક્ષ ૧૮ (અઢાર) અવધાન પ્રયોગ કર્યા. તે દેખીને મહોબતખાન તથા સામાન્ય પ્રજા ઘણી જ ખુશ-ખુશાલ થઈ ગઈ. આ પ્રયોગોથી પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીની સ્મરણશક્તિ, ધારણાશક્તિ, વિદ્વત્તાશક્તિ અને ઉત્તરદાયિત્ત્વની શક્તિની ચોતરફ અધિકાધિક પ્રશંસા થવા લાગી. મહોબતખાને પણ પ્રભાવિત થઈને ઉત્સાહ અને ઉમંગ સાથે તેમનું ઘણું જ બહુમાન કર્યું.
સાહિત્યસર્જન અને આ રાસની રચના :
જેમ ચોમાસામાં કરેલી વાવણીનું ફળ કારતક-માગસર માસમાં લેવાય. વાવેલા દાણા અલ્પ હોય પરંતુ તેના ફળ રૂપે પાકેલું ધાન્ય ગાડેગાડાં ભરાય. તેવી જ રીતે શ્રી યશોવિજયજી મ.શ્રીએ ગુરુ મહારાજશ્રી પાસેથી તથા કાશી અને આગ્રાના ભટ્ટારકજી પાસેથી મેળવેલી વિદ્યાથી તેના ફળ