________________
૧૧૯
શ્રમણપણાનો સળંગ ઇતિહાસ જાણે કે વલોવાતો-ઘટ્ટ બનતો ક્ષમાશ્રમણત્વમાં પરિણમે છે. એ શબ્દના ઉચ્ચાર સાથે જ શ્રમણ સંસ્કૃતિની વિશિષ્ટતા મૂર્તિમંત બને છે. ક્ષમાશ્રમણોએ ઉપદેશેલા–પ્રચારેલા ઉપશમ, વિવેક કે ક્ષમાને વિષે અહીં વધુ વિવેચન કરવાની જરૂર નથી.
જૈન–સંઘના આ ક્ષમાશ્રમણો કોઈ એક વર્ગ કે વર્ણમાંથી નથી આવ્યા. એમાં રાજકુવરો છે, શ્રેષ્ઠીપુત્રો છે, ચંડાલો અને દાસીપુત્રો પણ છે. છેક છેલ્લા થરના છે તેમ વૈભવ અને પ્રતિષ્ઠાના શિખરે વિહરનારાઓ પણ છે. ક્રમે ક્રમે ત્યાગ વિરાગમાં પ્રવેશનારા તેમજ પરિસ્થિતિવશ અકસ્માત્ ઝબકીને જાગી જનારા પણ આ શ્રમણ સમુદાયમાં છે. તે સાથે સેંકડોને પોતાના વહાણમાં બેસારીને તારનારા અને છતાં પોતે બૂડનારા-માનવસહજ નબળાઈની લીલા દાખવનારા પણ આ સમુદાયમાં છે. જાણે કે શ્રમણોની એક જુદી જ સૃષ્ટિ છે.
જૈન સંઘના મોટા ભાગના ક્ષમાશ્રમણોનો અભ્યાસ કર્યા પછી જ આ ચરિત્રો આલેખ્યાં છે એવો મારો દાવો નથી. “ઉપદેશમાળા' અવલોકતાં જે ચરિત્રો મળી આવ્યાં તેમને માત્ર મેં મારી વાણીમાં આલેખ્યાં છે. આમાં ઐતિહાસિક્તા કેટલી, પૌરાણિકતા કેટલી તેમજ પરંપરાનો પાસ કેટલો એ પ્રશ્ન ઉકેલવા જેટલાં મૌલિક સાધનો અત્યારે આપણી પાસે નથી–તેમ એટલો અવકાશ પણ નથી. ગમે તેમ, પણ આ ક્ષમાશ્રમણો જો આપણા આત્મીય જેવા લાગે, સંસારસાગરના સુકાનીઓ ને દીવાદાંડી જેવા માર્ગદર્શક લાગે તો પણ મારો શ્રમ લેખે લાગ્યો માનીશ.
- સુશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org