________________
૧૩૪
અર્પણ + ક્ષમાશ્રમણ અંધકાર જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પ્રકાશનાં કિરણો બહાર નીકળવાની તૈયારી કરતાં હોય છે ચિલાતીના અંતરમાં અત્યારે ગાઢ તિમિર છવાયું હતું. તિમિરની પાછળ પ્રકાશનાં કિરણો ક્યાં છુપાયેલા હશે તે ચિલાતી પોતે પણ કહી શકવાની સ્થિતિમાં નથી.
એકાએક ચિલાતી, તપના તેજથી વૃક્ષતળને છાઈ દેતી એક માનવમૂર્તિ નિહાળે છે. એના મોં ઉપર શાંતિ અને સંયમનો મીઠો મહેરામણ રેલાતો હોય એમ એને લાગે છે. થાકીને લોથ થયેલો ચિલાતી એની પાસે જવા અને પાસે બેસીને શાંતિના મીઠા મહેરામણ ઉપરથી આવતી શીતળ લહરીઓનો આસ્વાદ લેવા લલચાય છે. પણ ચિલાતીના પગ ઊપડતા નથી. જાણે કે કોઈ પકડી રાખે છે-ચિલાતીને કહે છેઃ “ક્યાં તું હિંસા અને ક્રૂરતાની બળતી ભઠ્ઠી જેવો અને ક્યાં આ શાંતિ અને કરુણાના મહાસાગર સમા મહાપુરુષ ! તને ત્યાં જવાનો શું અધિકાર છે?”
પોતે દાસીપુત્ર છે, લોહીથી તરબોળ છે, અપવિત્ર છે, ઘાતકી છે, ખરે જ પોતાને આ તપસ્વી પાસે જવાનો અધિકાર નથી એવો નિશ્ચય કરે છે પણ પાછા પગ નથી ઊપડતા. કદાચ થાકને લીધે ચાલવાની તાકાત નહિ હોય એમ ધારી તે ત્યાં જ સ્થિર રહે છે.
અધિકાર નથી એ ખરું, પણ પોતે કોઈ રાજપુત્ર નહિ, વૈશ્યપુત્ર નહિ, દાસીપુત્ર તરીકે કેમ જભ્યો એ તો જાણવું જોઈએ. આ શ્રમણ કદાચ ખુલાસો કરશે. ના પાડશે તો ઊઠીને ચાલ્યો જઈશ. - આવો વિચાર કરી ચિલાતી પુત્ર વૃક્ષની નીચે શાંતિથી ધ્યાનમગ્ન બનેલા શ્રમણ પાસે પહોંચ્યો. શ્રમણ, થોડીવારે, એને સત્કાર્યો. લોહીથી ખરડાયેલા અને થાક તેમજ ગ્લાનિને લીધે નિસ્તેજ બનેલા વદન ઉપર અંકાએલી આ ક્રૂર માનવીની ભવ્યતા એ તપસ્વીથી છૂપી ન રહી. ચિલાતીના હાથમાં એક સ્ત્રીનું કપાએલું મસ્તક જોવા છતાં તપસ્વીએ એનો જરાય તિરસ્કાર ન કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org