________________
સ્કંદક આચાર્ય
૧૫૦ બળવાન નૌકાના શઢ તૂટું તૂટું થઈ રહ્યા ! “ફેરફાર નહિ થઈ શકે?” એમ કહેનાર પુરોહિતની જીભ ખેંચી કાઢવા એમના હાથે વીજળીનો વેગ અનુભવ્યો. આજે પોતે શ્રમણ નહિ, માત્ર ક્ષત્રિયકુમાર હોત તો પુરોહિત એમની આંખમાંથી ઝરતા અગ્નિથી
ક્યારનોયે બળી ગયો હોત. સ્કંદક મુનિને ફરી એક વાર શ્રાવસ્તી નગરીના રાજકુમાર બનવાનું મન થયું.
પોતે શ્રમણ હતા એ વાત જો કે ન ભૂલ્યા : પણ શ્રમણ ઉપશમ અને સંવેગથી જ શોભે એ હકીકત સ્મૃતિમાંથી પળવારને માટે સરી ગઈ. એક વાર પેલા દેવશિશુ જેવા સૌથી નાના શ્રમણ તરફ એમણે જોયું– જોતાં જ એને છાતી સરસો દાબી, છેલ્લી વાર ભેટી લઈ, ઘાણી તરફ વિદાય કરવા એમણે એક-બે ડગલાં ભર્યા એટલામાં એમના હાથ-પગ અવશ બનતા હોય એમ લાગ્યું. પોતે શ્રમણને ન શોભે એવી નબળાઈના ભોગ બની રહ્યા છે એવી પ્રતીતિ થતાં ત્યાંના ત્યાં જ થંભી ગયા.
અકસ્માતું એમની નજર, કુંભકારકટકના ઘેટાના ટોળા જેવા પ્રેક્ષકવૃંદ ઉપર પડી. સ્કંદકાચાર્યને વિચાર થયો કે શ્રમણો તો પોતાના પ્રાણનાં બલિદાન દઈને છૂટી જશે. પણ આ ગામ-આ પ્રદેશના લોકોનું શું કંઈ કર્તવ્ય જ નથી ? અન્યાય કે જુલમ સામે ઊંચી આંગળી કરવા જેટલી શક્તિ પણ આ લોકો હારી બેઠા છે ? તેઓ ધારે તો રાજાને કે તેના પુરોહિતને સાફ સાફ વાત ન કહી શકે ? અન્યાયનો પ્રતિકાર ન કરી શકે ? એમની માણસાઈ જ મરી ગઈ હશે ?
આવા મોટા જનસમુદાયમાં પોતાની બહેન પુરંદરયશા ક્યાં હશે તે જોવા એમણે ચોતરફ-દૂર દૂર નિહાળ્યું “બહેન તો અંતઃપુરમાં જ હશે ! એને આ સમાચાર કોણ આપે ? ગમે તેમ તો પણ પુરંદરયશા ક્ષત્રિયકન્યા છે. એને જો આ અન્યાયની ગંધ સરખી આવે તો આ શ્રમણોને બચાવવા બહાર આવ્યા વિના ન રહે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org