________________
૨૨૪
અર્પણ + ક્ષમાશ્રમણ શોભા પૂરી થઈ અને મહારાજાએ ગોભદ્ર શેઠના મહાલયમાં પગ મૂક્યો ત્યારે તો પોતે આ વિશ્વથી કોઈ જુદી જ દુનિયામાં આવી ચઢ્યા હોય એમ લાગ્યું. મહારાજા બે માળ તો હવેલીના ચડી ગયા. વિસ્મયથી અભિભૂત થયેલા બિંબિસારે માન્યું કે આ ત્રીજો માળ, મહેલની શોભા-સૌદર્ય-સજાવટનું કેંદ્રસ્થાન હશે. મહેમાનોનાં સત્કારસમારંભ અહીં જ થતા હશે. આવો વિચાર કરી એક સ્થાને બેસવાના આશયથી આસપાસ દષ્ટિ દોડાવે છે. એટલામાં ભદ્રા માતા પોતે બોલે છે : “મહારાજ ! કૃપા કરીને આગળ ચાલોઃ આ તો અમારા નોકર-ચાકર માટેનો નક્કી કરેલો ખંડ છે.”
ચોથા માળે આવ્યા પછી મહારાજાને જરા શ્રમ પડતો લાગ્યો. ભદ્રા દેવી તો હજુ પણ ઉપર – પાંચમા માળે લઈ જવા માંગતાં હતાં. પણ મહારાજાએ હવે આગળ વધવાની અનિચ્છા બતાવી : કહ્યું :
હું હવે અહીં જ બેસીશ. કુમાર શાલિભદ્રને નીચે બોલાવો.
શાલિભદ્ર આ સ્વાગત અને સમારંભથી તદ્દન અજાણ્યો હતો. ભદ્રા માતા પણ આવી સામાન્ય બાબતોમાં શાલિભદ્રને સંડોવતાં નહિ. મહારાજાએ પોતે જ્યારે શાલિભદ્રને યાદ કર્યો અને એને એક વાર મળી લેવાની ઈચ્છા બતાવી ત્યારે ન છૂટકે ભદ્રાને શાલિભદ્ર પાસે જવું પડ્યું.
એ વખતે શાલિભદ્ર અર્ધનિદ્રામાં પોતાની સ્વચ્છ સુંવાળી શય્યામાં પડ્યો હતો. ભદ્રા માતા કોઈક જ વાર આ માળે આવતાં. મોટે ભાગે નીચેથી જ એના સમાચાર પૂછી, પાછાં વળી જતાં. શાલિભદ્રના આવાસમાં કાં નૃત્યગીતની લહરીઓ રેલાતી હોય અથવા તો વાર્તાવિનોદના હાસ્યમિશ્રિત મીઠા રણકાર સંભળાતા હોય. તે ઉપરથી ભદ્રા માતા શાલિભદ્રની પ્રસન્નતાનું આઘેથી જ અનુમાન કરી લેતાં. વારે વારે એની પાસે જવાની કે નાના-નજીવા પ્રશ્નો પૂછવાની વાતથી એ વિરુદ્ધ હતાં. શાલિભદ્રના સ્વભાવની કુમાશ એ સમજતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org