________________
૨૧૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૧૯
આગળ ઑફિસમાં ‘દાદા ભગવાન, દાદા ભગવાન' એની બધી સ્તવના કર્યા કરે, એવી કીર્તનભક્તિ કર્યા કરે. એટલે બીજા એક જણને મગજમાં પારો ચઢી ગયો. એ એમની ઑફિસનો હતો. એને થયું કે આ બધા શું ‘દાદા, દાદા' કરતા હશે ? શું સમજતા હશે આ લોકો ? તે પછી આ બધાંને કહે છે, “હું તમારા દાદા પાસે એક ફેરો આવીશ. મારે એમની ખબર લેવી છે.’ શું કહે છે, દાદાને પાંસરા કરવા છે. એ માણસ છે તે મારી જોડે લઢવા માગતો હતો. એ માણસને ખુબ ગુસ્સો ચઢી ગયો કે આ મોટા ‘દાદા ભગવાન' છે, તે માટે સીધા કરી નાખવા છે આમને. તે એના ઑફિસવાળાએ મને કહ્યું કે “અમારી પાછળ રોજ પડ્યો છે આ માણસ. તેને અહીં આવવું છે.’ મેં કહ્યું “આવવા દો ને ! વાંધો શું છે ? ગાળો ભાંડે તે ય આપણને આવકાર છે ને ફૂલ ચઢાવે તે ય આવકાર છે. મારે જુદાઈ નથી. કારણ કે હું ગાળો ભાંડનાર જોતો નથી. ગાળો ભાંડનારની મહીં ‘કોણ છે', એને હું જોઉં છું. અતત્ત્વને હું જોતો નથી. મારે અતત્ત્વનું શું કામ છે ? ગધેડું ય અતત્ત્વ જ છે ને આ ય અતત્ત્વ છે. હું તો તેમાં તત્ત્વની તપાસ કરું છું. પછી મેં કહ્યું, ‘બોલાવો એને !'
એ પછી રજા હશે, તે દહાડે તે આવ્યો. એની ઑફિસવાળા બધા જોડે આવેલા કે જોઈએ હવે શું તાલ થાય છે કે દાદાને એ પાંસરા કરે છે કે દાદા એને પાંસરો કરે છે ! એટલે પછી એ બેઠા હતા. મારા આવતા પહેલાં સત્સંગમાં બીજા ભેગા થયા, તે એમની જોડે જીભાજોડી કરવા માંડી, બધી બુદ્ધિની વાતો. હવે બુદ્ધિની વાતોનો એન્ડ જ ના આવે. અમે તો એન્ડ લાવી આપીએ. પછી છે તે એ બુદ્ધિની વાતો થતી હતી ને હું આવી પડ્યો. મને પેલી ખબર નહીં કે આ માણસે આવો ડખો કર્યો છે, અહીં આગળ. અને હું જાણું ય નહીં કે મારો પારો ઉતારવા આવ્યો છે. એટલે પછી મેં બધાને પૂછયું કે આજ સત્સંગ કેમ કોઈ કરતા નથી ? કોઈ સત્સંગ કરો ને ! બોલો ને ! પેલા ભાઈને નવા દીઠા, એટલે મેં એમને કહ્યું, ‘તમે બોલો ને, કંઈક બોલો ને, શું વાંધો છે ?” ત્યારે એ કહે છે, “ખરું કહું, અહીં ગળે સુધી આવે છે પણ શબ્દ બહાર નીકળતો નથી.’ હું સમજી ગયો કે આ દાદાના ગુનામાં આવ્યો છે. હરાવવા આવ્યો છે. તે શબ્દ અહીંથી નહીં નીકળે, મહીંથી અક્ષરે ય નહીં નીકળે. આ આણે આડાઈ કરી છે.
તેનું આ ફળ મળ્યું. વાણી જ બંધ થઈ જાય મારી પાસે. ઘણા માણસોની વાણી બિલકુલે ય, અક્ષરે ય બોલી શકે નહિ. અને વાંકો માણસ તો મારી પાસે આવી શકતો નથી. પેલો પગથિયું ચઢે ને તો કહી દઉં કે પેલો માણસ પાછો ઊતરી જશે. અહીં લોકો મને પૂછે છે કે, કેટલાકને કહું છું કે કેમ પ્રશ્ન પૂછતા નથી ? ત્યારે કહે, ‘ઘરેથી નીકળ્યો ત્યારે પ્રશ્નો બહુ પૂછવા હતા, પણ અહીં આવ્યા પછી નીકળતું નથી.' એ તો દાદા પાસે તો આ બોબડી બંધ થઈ જાય ! પેલો ભઈ આવેલો, તે ઘેરથી નક્કી કરીને આવેલો. હું આવ્યો હતો, તે પહેલાં વાતો કરવા માંડેલો. તે આપણા મહાત્માને તો પાડી દે ને ! વાર ના લાગે ને ? એમને તો હરાવી દે ને ? મને ય હરાવી દે એવો હતો.
શુક્લ હદયી સમજે જ્ઞાતીતી ભાષા !! પ્રશ્નકર્તા : જ્ઞાનીની ભાષા અમુક લોકોને નથી સમજાતી.
દાદાશ્રી : શી રીતે સમજાય પણ ? એ તો મોહ ઓછો હોય તો સમજણ પડે ને ? જ્યાં સુધી મૂંઝાયેલું હોય ત્યાં સુધી સમજણ પડે નહીં. મોહ ક્લિયર થઈ જાય ત્યાર પછી સમજણ પડે. ભાષા સમજવી એ આપણું પુણ્ય હોવું જોઈએ. અને શુક્લ હૃદય હોવું જોઈએ. હૃદય શુક્લ હોય તો તરત બધું ઓળખી જાય. પણ હૃદયમાં જાતજાતના ગોટાળા ભર્યા હોય ને, તે ગોટાળિયું હોય તો સમજાય નહીં. જ્ઞાનીઓની ભાષા સમજવા માટે શુક્લ હૃદય જોઈએ. બીજું બધું સમજાય પેલી બાજુનું, સંસારી ભાષા બધી સમજી જાય.
અમારા શબ્દ જો શીખ્યો ને, એના પ્રમાણે ચાલ્યો તો તો કામ જ થઈ ગયું. ‘જ્ઞાની પુરુષ'નો એક અક્ષર જ જો સમજમાં આવ્યો તો કલ્યાણ જ થઈ જાય !! બાકી, થર્ડમાંથી ફોર્થમાં ક્યારે જઈએ ? એનાં કરતાં આ ‘દાદા’ મેટ્રિકની બહાર ‘ફર્સ્ટ ઈયર’માં બેસાડી દે ! પેલા લોકો તો ‘ફીફથ’માં, ‘સીકસ્થ'માં છે કે આપણે જાતે તો થર્ડમાંથી પાસ થવાતું નથી. એનાં કરતાં ‘દાદા’ કહે છે તે પ્રમાણે હેંડો ને, એટલે ઉકેલ આવી ગયો. નહીં તો આ લોકો તો કર્મ બંધાવડાવવા આવે કે, ‘તમે આમ કરી આપો, તેમ કરી આપો.”