________________
વાણીનો સિદ્ધાંત
૩૮૫
સામાતી સમજણ શોધાય ? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે ‘તમારામાં અક્કલ નથી.’ આમની અક્કલ માપવા નીકળ્યા ! એવું બોલાતું હશે ? પછી ઝઘડા જ થાય ને ! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે “તમારામાં અક્કલ નથી.’ સામાન્ય માણસ તો અણસમજણનાં માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય, એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને ! પેલો અવળું બોલે, પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે. પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.
‘તમે સમજતા નથી’ એવું ય ના બોલાય. આપણે તો એમ કહેવાય કે, ‘ભઈ, વિચારો તો ખરા, તમે જરા વિચાર તો કરો.’ ‘સમજતા જ નથી’ કહીએ, તો આ બધા ડફોળ જ છે ? આવું બોલે છે કે નથી બોલતા લોકો ?!
પ્રશ્નકર્તા : બોલે છે. આ બુદ્ધિવાળા એમ જ બોલે છે કે ‘આને સમજ નથી.”
દાદાશ્રી : હા, એવું બોલે. સામાને ‘તમે ના સમજો' એવું કહેવું, એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. ‘તમે ના સમજો' એવું ના કહેવાય. પણ ‘તમને સમજણ પાડીશ’ એવું કહેવું. ‘તમે ના સમજો’ કહે તો, સામાના કાળજે ઘા વાગે.
કાળજે વાગ્યો ઘા... આપણે સુખમાં બેઠાં હોય ને સહેજ કો'ક આવીને કહે, ‘તમારામાં અક્કલ નથી.” એટલું બોલે કે થઈ રહ્યું, ખલાસ ! હવે એ કંઈ પથરો માર્યો છે ?
પ્રશ્નકર્તા: નહીં.
દાદાશ્રી : શબ્દો જ છે. પથરો માર્યો હોય તો આપણે સમજીએ કે ભઈને વાગ્યું એટલે એને લ્હાય બળે છે. અહીં આગળ વાગ્યું તે, પણ
૩૮૬
વાણીનો સિદ્ધાંત આ તો વગર પથ્થર વાગ્યું.
પ્રશ્નકર્તા : શબ્દોમાં એટલી બધી અસર હોય છે ?
દાદાશ્રી : તે એની જ અસર છે આ બધી. શબ્દની જ અસર છે. જગતમાં છાતીએ ઘા લાગે, તે સો સો અવતાર સુધી ના જાય. ‘છાતીએ ઘા લાગ્યા છે, તેમ બોલ્યા છો.’ કહેશે. અસર જ છે આ ! જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે.
છાતીએ ઘા લાગે એવાં શબ્દ બોલેલા ? તમે કોઈ દહાડો નાનપણમાં એવું બોલેલા કે ? અરે, હું અત્યારે જ્ઞાની થયો, પણ પહેલાં કેવો હોઈશ ? અરે, શબ્દ બોલુંને તો સામો માણસ કહેશે, “મને આધાશીશી ચઢી તમારા શબ્દથી !' તો એ કેવો શબ્દ ખરાબ હશે ? સામાને આધાશીશી ચઢી જાય. ઊતરતાં વાર લાગે. છતાં અમે આ પદમાં આવ્યાં છીએ. પૂર્વભવમાં ઘણું કરેલું, તેના ફળરૂપે આ પ્રાપ્ત થયું છે.
કેટલીક બહેનો મને કહે છે, “મારા ધણીએ મને કહ્યું'તું, તે મારી છાતીએ ઘા લાગ્યો છે. તે મને પચ્ચીસ વર્ષે ય ભૂલાતું નથી.' ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે ?! તે ઘા પછી રૂઝાતા નથી. તે ઘા ના મારવા જોઈએ.
ઊંચી તાતોવાળા વીંધે વચનબાણથી ! આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં ? લાકડીઓ કે ધોલો નથી મારતા ? નીચી નાતમાં હાથથી ને લાકડીથી મારામાર કરે. ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં. ત્યારે વચનબાણ જ માર માર કરે. છે સંસ્કારી લોકો. આમ તો બહુ વિવેકી છે, એટલે કોઈ મારતા નથી. પણ વચનના બાણ મારે છે કે ‘તું આવી છે ને તું તેવી છે.' ત્યારે પેલી કહેશે, ‘તમે આવા ને તમે તેવા.' એટલે રૂઝાય નહીં એવાં બાણ મારે છે અને એનાથી જરા ઊંચા હોય ને, તે વચનબધ્ધ કરી દે. હિન્દુસ્તાનમાં એવો ઊંચો ય માલ ખરો. પેલો સામો બાણ મારે તો પોતે ના મારે. એ જાણે કે આમાં શું ફાયદો કાઢવાનો ?!
બાકી વચનથી બાણ મારે ખરા કે ? વચનનું લાગે ?