________________
૩૮૪
વાણીનો સિદ્ધાંત
ખંડ-3 વાણી, વ્યવહારમાં...
પ્રશ્નકર્તા: મારી જીભ ઉપર કાબુ થાય, એવું કરો ને ! કારણ કે હું વધારે બોલું છું.
દાદાશ્રી : તે હું ય બોલ બોલ જ કરું છું. આખો દહાડો. તમારા બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને, કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું? ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં.
મીઠાં શબ્દ, શમાવે વેર ! પ્રશ્નકર્તા : મને એવો ડર છે કે આપણે જે શબ્દો દ્વારા એકબીજાને સમજીએ એમાં ખોટા પણ સમજી શકાય છે.
દાદાશ્રી : સાચા પણ હોયને ! આપણે આ શબ્દથી પેલાને કહીએ કે ભઈ, દૂધ આપો. એવું દૂધવાળાને કહીએ તો ખોટું શું ? શબ્દોથી જ દૂધ મળે ને ? અહીં તો ‘શુંક આપ’ કહીએ તો દહીં આપી દે. એની પાસે જે હોય એ જ આપેને. એટલે એવું કોણે કહ્યું કે શબ્દો દ્વારા ખોટા હોઈએ ? ૐ શબ્દ છે ને, તે તો કામ કાઢી નાખે એવો છે.
[૧] દુઃખદાયી વાણીતા સ્વરૂપો
જીભ વાંકી કે આપણે ? પ્રશ્નકર્તા : આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં તેમ બોલી જાય.
દાદાશ્રી : એવું છે ને, આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા બત્રીસ દાંત છે ને, એમની જોડે રહે છે, રાત-દહાડો કામ કરે છે. પણ લઢતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે, પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઈઝર વાંકા છીએ. ભૂલ આપણી છે.
એટલે જીભ તો બહુ સારી છે. આ બત્રીસ દાંત વચ્ચે રહે છે તો કોઈ દહાડો ય એ કચરાય છે ? એ કચરાય ક્યારે ? કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય ત્યારે જરા કચરાય. અને આપણે જો વાંકા હોઈએ તો જ ચિત્ત બીજામાં જાય. નહીં તો ચિત્ત બીજામાં ના જાય ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઈઝરે આમ આડું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય.
પ્રશ્નકર્તા: પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે.
દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે. ત્યારે જગત બંધ થઈ જશે.
બધી શબ્દથી લઢાઈઓ થયેલી છે આ દુનિયામાં, જે થયેલી છે તે ! શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે. વઢેલા હોય આપણી જોડે, તેની જોડે ય આપણે મીઠું બોલીએ ને, તો બીજે દહાડે એક થઈ જાય પાછા.
એક જ શબ્દ અવળો બોલ્યા તો લઢાઈ ચાલુ થઈ જાય, સામા જોડે. ને તે વખતે કોઈક જો મીઠા શબ્દ બોલી ગયા ને, કે ‘ભઈ, આમ છે, તેમ છે' તો લઢાઈ બંધ થઈ જાય. માટે પાંસરું બોલો. નહીં તો બોલશો જ નહીં. અને બોલવાનું મટતું ના હોય તો આમ મોં દાબીને બોલજો, એટલે સમજણ ના પડે સામાને.