________________
४८४
વાણીનો સિદ્ધાંત
[૯] વિગ્રહ, પતિ - પત્નીમાં !
વિનંતીવાળી વાણી મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ. પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય તો ભગવાનની સત્તા રહે. તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઊભી કરે છે. હં, પછી આ આમ કેમ કર્યું. આ આમ... અલ્યા મૂઆ ! પાંસરો મરને. ચા પીને છાનોમાનો, મોઢું ધોઈને.
અને બીબી ય જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે, કે જરા આ બાબાને હીંચકો નાંખતા પણ નથી. જો આ ક્યારનો રડ્યા કરે છે ! ત્યારે પાછો ધણી કહેશે, ‘તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો ! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો.’ કહેશે. આ પાંસરી ના હોય ત્યારે શું કરે છે ?
પ્રશ્નકર્તા: ડખો નહીં કરો કહ્યું ને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ ? ઘરમાં બહુ માણસો હોય તો ય ?
દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખો ય ના કરવો જોઈએ. પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ?
દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય !
પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ?
દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય.
પ્રશ્નકર્તા : ઈમોશન વગર કહેવાનું. ઈમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ?
દાદાશ્રી : આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય !
પ્રશ્નકર્તા : આ કડક વાણી-કર્કશ વાણી હોય, એને શું કરીએ ?
દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે કે ‘હું વિનંતી કરું છું, આટલું કરજો.’ ‘હું વિનંતી......’ એટલો શબ્દ ઉમેરીને કરે.
પ્રશ્નકર્તા : હવે આપણે એમ કહીએ કે, ‘એ ય થાળી અહીંથી ઊંચક' અને આપણે ધીમાં કહીએ ‘તું થાળી અહીંથી ઊંચક.’ એટલે એ જે બોલવાનું જે પ્રેસર છે....
દાદાશ્રી : એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે ધીમેથી બોલવાનું.
દાદાશ્રી : ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તો ય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું ‘હું વિનંતી કરું છું, તે આટલું કરજોને !' મહીં શબ્દ ઉમેરવો પડે.