________________
૩૧૬
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : એ સર્વ સામાન્યપણું બતાવે છે. એટલે કોઈને ય બાધક ના હોવી જોઈએ. ઉપદેશ તો બાધકે ય હોય. દેશના દરેકને લાગુ થાય. કોઈ પણ જ્ઞાતિના બેઠેલા હોય, કોઈ પણ ધર્મના બેઠેલા હોય, પણ દેશના એ સાંભળ્યા કરે. તીર્થંકરની દેશના સામુદાયિક હોય. એમાં જરા ય પોતાપણું નહીં. દેશના અનેકાંત હોય. એટલે એકાંતિક રીતે કોઈને ય સ્પર્શે નહીં. બધાને કામ લાગે.
તે સર્જાયું દસમું આશ્ચર્ય ! મહાવીર ભગવાન દેશના આપતા હતા, ત્યારે દસમું આશ્ચર્ય થયું હતું. તે વખતે સૂર્યનારાયણને ઈચ્છા થઈ કે ‘હું મહાવીર ભગવાનના દર્શન કરવા જઉં.’ હવે સૂર્યનારાયણ તો, આ દેખાય છે એ બિંબ છે. એ જાતે સૂર્યનારાયણ ન હોય. બિંબ એટલે એક જાતનું પ્લેન છે, એમનું રહેવાનું સ્થળ છે એ અને બિંબ પ્રકાશમય છે. એની મહીં એ પોતે રહે છે, દેવ અને દેવી બેઉ ! સૂર્યનારાયણ દેવ-દેવી ભગવાનની દેશના સાંભળવા નીચે આવ્યા એટલે બિંબ અંધારું થયું એટલે લોકોએ નોંધ લીધી ઇતિહાસમાં, કે આ કઈ જાતનું ?! આવું કોઈ દહાડો બનેલું નહીં. એવું બે કલાક સુધી રહ્યું એ ઐતિહાસિક નોંધ છે. એ મહાવીર ભગવાનના વખતમાં આવેલા, એ દશમું આશ્ચર્ય છે !
આ તો કામ કાઢવાની કેડી ! શબ્દો તો ઓળખવા પડશે ને ? ઓળખીએ એટલે સારું પડે. એક તો દેશના, પછી ઉપદેશ અને આદેશ ! એટલે ગુજરાતી ભાષા જો પોતાની બધી વ્યાખ્યા-અર્થ સહિત છે ને ! કેવી રમણીયતાવાળી છે !! એટલે આ બધું દેશના શું ? ઉપદેશ શું ? આદેશ શું ? એ બધું સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ ? અને આ બધાને રોજ હું કહું છું કે પૂછો આ અક્રમ વિજ્ઞાન છે. એટલે બધું પૂછાય. જેને જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. દરેક જાતના પ્રશ્નો પૂછવાનો અહીં આગળ વાંધો નથી. કારણ કે આ માર્ગ ન હોય ઉપદેશનો અને આ દેશનાનો ય માર્ગ ન હોય અને આદેશનો માર્ગે ય ન હોય આ. આ તો પોતાનું કામ કાઢી લેવાનો માર્ગ છે.