________________
વાણીનો સિદ્ધાંત
૩૧૯
દાદાશ્રી : પણ એ ડહાપણ કામનું નહીં.
હવે અહીં પણ પોતાનું જો વચ્ચે ડહાપણ છોડી દે, તો જ્ઞાની બોલે તે સાચી જ વાત હોય. કારણ કે જ્ઞાની તો નિર્વિવાદ વસ્તુ હોય. અમારી જોડે વિવાદ જ કોઈએ કર્યો નથી. આ તો જ્ઞાનીનો શબ્દ તદન સાચો જ પડે છે. પણ પોતાની જે પકડ છે, ને પોતાની જે માન્યતા છે, તે એક વાર તો સમજમાં બેસવા જ ના દે.
પ્રશ્નકર્તા : હું અહીં વાદ-વિવાદ કરવા નથી આવ્યો. સમજવા માટે આવ્યો છું.
દાદાશ્રી : અહીં વિવાદ હોતો જ નથી. મારી જોડે કોઈ માણસે વિવાદ કર્યો જ નથી. કારણ કે વિવાદ ક્યાં થાય કે જ્યાં બુદ્ધિ હોય. તે મારામાં બુદ્ધિ જ નથી બિલકુલ, પછી વિવાદ તમે કેવી રીતે કરો ? મારામાં એક સેન્ટ પણ બુદ્ધિ નથી ને હારીને બેઠેલો છું. અહીં કોઈ વાદ-વિવાદ કરવા આવતું નથી, કુદરત એવા માણસોને અહીં મોકલતી નથી. કારણ કે આ તો વાદ-વિવાદની જગ્યા જ ન હોય. જ્ઞાની પુરુષનું વાક્ય એટલે ત્રિકાળ સત્ય કહેવાય, એક એક વાક્ય ! ત્રણે ય કાળ સાચો હોય એ શબ્દ. આ જેટલું જ્ઞાનમાં બોલ્યાને, એ બધી વાત ત્રિકાળી સત્ય હતી. એટલે આ અલૌકિક વસ્તુ છે. જેને ઇન્ટરેસ્ટ હોય, તે લાભ ઉઠાવે તો બહુ સારો ફાયદો થાય એને. બાકી જગત આખું લૌકિકમાં પડેલું છે અને આ બધી વાત અલૌકિક છે. વિવાદ વગરની છે.
અહીં વાત સાંભળે તેને મળતું જ આવે. બીજે બધે સંવાદી-વિવાદી કહેવાય. વિવાદ કરવા પડે. પછી પ્રતિવાદી, તે અહીંયા ના હોય. અને વાત અવિરોધાભાસ હોય. એટલે મળતું આવવું જ જોઈએ. આગળ પંદર વર્ષ પહેલાં વાત કરી હોય, તેની તે જ વાતને આજે મળતી આવતી હોય. શબ્દોનાં સ્વરૂપ જુદાં હોય, પણ વાત મળતી આવે. સિદ્ધાંત એક જ હોય. સિદ્ધાંત એનું નામ કહેવાય કે જે વાદ ઉપર વિવાદ ના હોય, વિરોધાભાસ હોય નહીં. અને ત્રણેય કાળ સત્ય હોય. વિરોધાભાસ હોતને, તો એ પછી ભવિષ્યમાં ચેકવું પડે.
અહીં તો હું જે બોલ્યો છું, આજ અઠ્ઠાવીસ વર્ષથી, તે આમાં
વાણીનો સિદ્ધાંત (ટેપમાં) આવી ગયેલું છે. એમાં શબ્દે શબ્દ કોઈ ચેકો ના મારી શકે. એક શબ્દનો ય ચેકો નહીં. તે બીજા નવા શાસ્ત્રરૂપ કહેવાય.
૩૨૦
એક લાખ શબ્દ બોલ્યા હોય, તેને વાદ કહેવાય. એ વાદ ઉપર જો વિવાદ ના થાય તો જાણવું કે આ કરેક્ટ જ્ઞાન છે. વાદ ઉપર વિવાદ થયો તો એને જ્ઞાન કહેવાય જ કેમ ?
એવું છે ને બુદ્ધિશાળીઓ તો વાદ-વિવાદ કરે. આ બુદ્ધિવાળી વાણી ન હોય. જ્યાં બુદ્ધિ ખલાસ થઈ ગયેલી તે વાણી, નિર્વિવાદી વાણી કહેવાય. જ્યાં સંવાદ નહીં, વિવાદ નહીં, અત્યારે આપણા પચાસ હજાર માણસ આવે, પણ આપણે ત્યાં વિવાદ જેવો શબ્દ નથી જોયો. છેલ્લી જ કક્ષા. આથી આગળ બીજું કંઈ જાણવાનું ના હોય.
પરમહંસતી સભા છે આ !
જુઓને, અજાણ્યા માણસ હોય છે, તો ય પણ અહીં આગળ વિવાદ કરતા નહોતા. કારણ કે આ સાચું જ હોય, એક્ઝેક્ટ હોય. ગમે તે કોઈ અજાણ્યો માણસ હોય તો ય આમ કહેશે, કરેક્ટ છે. પછી એને સ્વીકાર કરવું - ના કરવું એની મરજીની વાત છે. કરવું - ના કરવું, એની પ્રકૃતિ કહે તેવું કરે.
આ વાણી તો તરત આવરણ ભેદી અને આત્માને પહોંચાડી દે છે. આવરણભેદક વાણી કહેવાય છે આ. તે તરત જ સીધી પહોંચાડી દે ને તરત કબૂલ કરી દે. વિવાદ ના કરે અને પેલું તો વાદ-વિવાદ ને તોફાન ! અને વાદ-વિવાદ હોયને ત્યાં ધર્મ ના હોય. એ તો માથાફોડ કહેવાય. કાગડાની સભા કહેવાય. પરમહંસની સભા જોઈએ. ચાંચ બોળતાની સાથે
આમ આ બાજુ દૂધ થઈ જાય ને આ બાજુ પાણી થઈ જાય. ભેદ પડી
જાય.
અને આત્મા-પરમાત્માની વાત, એ તો પરમહંસો માટેનું કામ. અહીં બીજું કશું હોય નહીં. આત્મા-પરમાત્માની વાત એકલી નીકળે, એવી કોઈ જગ્યાએ હોય નહીં. જ્યાં આગળ એકલી આત્મા ને પરમાત્માની વાત હોય, ત્યાં દેવલોકો હઉ પધારે.