________________
અધ્યાય પહેલો ‘પોંડરીક’ ‘‘શ્રુતદેવતાને નમસ્કાર’’
:
૬૩૮. હે આયુષ્માન મને સાંભળ ! ભગવાને આમ કહ્યું છે ઃ- આ અધ્યાયનું નામ છે પોંડરીક.(સફેદ કમળ). તેનો આ હેતુ છેઃ- એક પુષ્કરિણી, ઊંડા પાણીવાળી, કાદવથી ભરેલી અને ઘણાં કમળોથી યુક્ત હતી. તે ઘણી જ રળિયામણી, દર્શનીય હતી. ત્યાં, અહીં તહીં ચારે બાજુ ઘણાં સારાં શ્વેત કમળો ઊગ્યાં હતાં. તે ઘણાં રુચિકર, સારા વર્ણના, સુગંધી, રસદાર, સુંવાળાં, જોના૨ને સુખ આપતાં, નિર્મળ, આકર્ષક, સુંદ૨ અને દેખાવડાં
હતાં.
તે પુષ્કરિણીના બરાબર મધ્ય ભાગે, સર્વ કમળોમાં એક મોટું શ્રેષ્ઠ શ્વેત કમળ ઊગેલું હતું,જે રુચિમાન, સારા વર્ણવાળું, સુગંધી, તેજસ્વી, સુંવાળું અને કહ્યું તેમ જ દેખાવડું લાગતું હતું.
તે પુષ્કરિણીમાં બધેય જુદી જુદી જગ્યાયે, ઘણાં શ્વેત શ્રેષ્ઠ કમળો ઊગેલાં હતાં.
આ પુષ્કરિણીમાં બધેય, અહીં તહીં, ઘણાં શ્રેષ્ઠ સફેદ કમળો ઊગેલાં દેખાતાં હતાં સર્વ પોતપોતાની પૂર્વેની જગ્યાએ ઊગેલા, વળી સાવ મધ્ય ભાગે એક સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ, સહુથી મોટું, તેની તે જગ્યાએ સ્પષ્ટ દેખાતું હતું.
૬૩૯ અહીં એક માણસ પૂર્વ દિશાથી આવ્યો, તે પુષ્કરિણીના તીરે ઊભો રહ્યો. ત્યાં તેણે સર્વ શ્રેષ્ઠ સહુથી મોટું શ્વેત કમળ મધ્ય ભાગે ઊગેલું જોયું, અને પછી તે બોલ્યોઃ- હું છું ઘણોજ જાણકાર, કુશળ પંડિત, વિવેકી, બુદ્ધિમાન, મૂઢ નહિ પણ ત્યાં જવાના માર્ગનો જાણકા૨ અને હું જ આ સર્વ શ્રેષ્ઠ શ્વેત કમળને લઈ આવીશ. આમ બોલી તે માણસ તે પુષ્કરિણીમાં ઊતર્યો, જેમ જેમ આગળ વધ્યો, તેમ તેમ પાણી અને કાદવ વધારે અને વધારે ઊંડાં લાગ્યાં. તે તીરને છોડી અને તે શ્રેષ્ઠ કમળને નહિ મેળવી, કોઈને બોલાવે નહિ કે મદદ માંગે નહિ, તે ત્યાં અંતરે તે પુષ્કરિણીના કાદવમાં કળી ગયો અને દુઃખી થયો, પહેલા પુરૂષની આ દશા છે.