Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ શનિવારના રોજ સાંજના સવા છ વાગતાં, મુંબઈમાં શ્રી મહાવીરસ્વામીના દેરાસરના ઉપાશ્રયમાં પ. પૂ. શીલવતીજી મ. સા. ૭૪ વર્ષની વયે, ૩૦ વર્ષનો દીક્ષાપર્યાય પાળી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેના સવા કલાક પહેલાં સાંજના પાંચ કલાકે શ્રી દુર્લભજીભાઈ ખેતાણીએ આવીને પૂ. સાધ્વીશ્રી શીલવતીજીને સંબોધીને પૂછયું, “મહારાજજી, કેમ છો ?' તુરંત જવાબ આપ્યો, ‘ભાઈ, હવે તો માટલી ગોળ ખાઈ રહી છે.” કેવી તેમની જાગ્રત અવસ્થા ! એ જોઈને આપણું મસ્તક નમી પડે છે.
પૂ. શીલવતીશ્રીજી મ.ની શાતા પૂછવા માટે આચાર્ય ધર્મસૂરિજીના શિષ્ય આચાર્ય યશોદેવસૂરિજી, મુનિશ્રી જયાનંદવિજયજી, મુનિશ્રી ચિત્રભાનુજી, ગણિવર્યશ્રી ભુવનવિજયજી, આચાર્ય તુલસી, પૂ. રૂપમુનિજી વગેરે પણ પધાર્યા હતા.
માતાગુરુની અંતિમ સમાધિસ્થ અવસ્થાનાં દર્શન કરવા માટે પરમ ગુરુભક્ત શ્રી ભોગીલાલ લહેરચંદ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામંત્રી શ્રી કાંતિલાલ કોરા, શ્રેષ્ઠિવર્ય શ્રી દીપચંદ ગાર્ડ, શ્રી જે. આર. શાહ, શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી, શેઠશ્રી જીવા પ્રતાપ, શ્રી ઉમેદમલ જૈન, શ્રી જગજીવનરામ, શ્રી રસિકભાઈ કોરા આદિ સમસ્ત ભક્તગણ અને મુંબઈનો જનપ્રવાહ સતત ત્રણ દિવસ સુધી ત્યાં ઊમટતો રહ્યો અને એમની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો.
ચાર દિવસ બાદ ૧૯૬૮ની ૨૧મી ફેબ્રુઆરીએ મુંબઈના પાયધૂનીમાં આવેલા શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં પૂજ્ય ગણિવર્ય ભુવનવિજયશ્રીની નિશ્રામાં વયોવૃદ્ધ તપસ્વી સાધ્વીશ્રી શીલવતીજીના કાળધર્મ અંગે ગુણાનુવાદ સભા યોજાઈ. આ સભામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, સ્થાનકવાસી સમાજના અગ્રણી શ્રી દુર્લભજીભાઈ ખેતાણી, શ્રી ભાણાભાઈ ચોક્સી, તેરાપંથી જૈન સમાજના પ્રમુખ શ્રી નેમચંદભાઈ વકીલ, શ્રી ભારત જૈન મહામંડળના મંત્રી શ્રી શાદીલાલ જૈન, કાલબાદેવીમાં આવેલા શ્રી નરનારાયણ મંદિરના અગ્રણી શ્રીમતી પાર્વતીબહેન, શ્રી ફૂલચંદ શામજી, શ્રી માધવલાલ શાહ, જૈન કૉન્ફરન્સના પ્રમુખ શ્રી હીરાલાલ શાહ, સરધારનિવાસી
જીવનદાતા અને જીવનશિલ્પી શેઠ શ્રી અનુપચંદભાઈ, શ્રી રસિકભાઈ ઝવેરી અને અન્ય સહુ કોઈએ એમના ગુણોનું સ્મરણ કર્યું.
આ પ્રસંગે પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું, ‘મારે માટે એમના ગુણોનું વર્ણન અતિ મુશ્કેલ છે. છેલ્લાં બેતાલીસ વર્ષથી હું એમની છત્રછાયામાં રહી છું. તેઓશ્રીનું સમાધિમૃત્યુ થયું છે અને મારી ભાવના પણ એ છે કે મને પણ એવું જ મૃત્યુ પ્રાપ્ત થાય.'
એ પછી સાધ્વીશ્રી મૃગાવતીજીએ ગુરુજનોનું સ્મરણ કરીને કહ્યું, ‘હું એમના ઉપકારોનું ક્યાં સુધી વર્ણન કરું ? તેઓશ્રી એક આદર્શ માતા હતાં અને ત્યાગી અને તપોધની પૂ. માતાગુરુ હતાં. આપ બધા તેઓને જે માન-સન્માન આપી રહ્યા છો એ તો પૂ. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજ તથા પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું જ માન છે અને તેમનો જ ઉપકાર અને પ્રતાપ છે. માટે આ પ્રસંગે બોલવું બહુ જ કઠણ છે, છતાં આપ સૌની ઇચ્છાને માન આપીને મારાં માતાગુરુજીને શ્રદ્ધાંજલિ અર્પી છું.'
આ પ્રસંગે પૂજ્ય ગણિવર્યશ્રી ભુવનવિજયજી મહારાજ સાહેબે સાધ્વીશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું, ‘માનવ જન્મનો લહાવો સમાધિમરણમાં છે. એવું મરણ થાય કે પછી બીજી વખત જન્મ કે મરણ ન થાય. સાધ્વીજી છેલ્લી પળ સુધી ધર્મધ્યાનમાં જાગ્રત હતાં અને એ પ્રશંસનીય ઘટના છે કે તેમનું સમાધિમરણ થયું છે. તેમની બીમારી દરમિયાન બે-ત્રણ વખત સુખ-સાતા પૂછવા ગયો ત્યારે યોગી આનંદઘનજીનાં પદો સંભળાવ્યાં અને તેથી તેઓ ખૂબ પ્રસન્ન થયાં હતાં.’
આ રીતે પૂજ્ય સાધ્વીશ્રી શીલવતીજી મહારાજના ગુણાનુવાદ બાદ એમની સ્મૃતિમાં શ્રી આત્મવલ્લભ શીલસૌરભ ટ્રસ્ટની રચના કરીને એમને વિધેયાત્મક ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્વારા પ્રાકૃત અને અર્ધમાગધી સાથેના વ્યાવહારિક શિક્ષણ માટે કન્યાઓને છાત્રવૃત્તિ આપવાનું અને સાધ્વીજી મહારાજોને અભ્યાસ કરાવવા માટે પંડિતોની વ્યવસ્થા કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું.
એ પછી ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ શ્રી ભાયખલા જૈન સંઘ, શ્રી