Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 136
________________ પરિશિષ્ટ-૫ પ્રેરણાની પાવનમૂર્તિ જગત આખામાં જ્યાં સુધી વિદ્યાની પ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ કે શિષ્યો છે, ત્યાં સુધી તેમને વિદ્યાની પ્રાપ્તિમાં નિમિત્ત બનનારા આચાર્યો, ઉપાધ્યાયો, અધ્યાપકો કે પ્રોફેસરો હોવાના, અને જ્યાં સુધી કોઈ પણ પ્રકારની વિઘા હયાત છે તથા તેને મેળવવાની પ્રવૃત્તિ ચાલે છે, ત્યાં સુધી વિદ્યાર્થીઓ પણ રહેવાના જ. આ રીતે વિચાર કરતાં વિદ્યા, વિદ્યાર્થીઓ અને તેમને શીખવનારા - એ ત્રણેનો સંબંધ અનિવાર્યપણે રહેવાનો. વિદ્યા, જે બીજાના (શિક્ષના) કોઠામાં છે, તેને પોતાના (વિદ્યાર્થીના) કોઠામાં લાવવી એ કાંઈ સહેલું કામ નથી. પ્રથમ તો વિદ્યાની પ્રાપ્તિ માટે વિદ્યાર્થી યોગ્ય ભૂમિકા ધરાવે છે કે કેમ ? એ હકીકત ખાસ જોવી પડે છે. એ જોવા માટે ઉમર, ઉત્તરોત્તર વર્ગોમાં ચડતી થવી, એ જોવા કરતાં વિદ્યાર્થીની મનોભૂમિકા વિદ્યા મેળવવાને યોગ્ય છે કે કેમ ? એ વિશેષપણે તપાસવું જોઈએ. વળી, જે રીતે વિદ્યાર્થીની મનોભૂમિકા તપાસવી પડે છે એ જ રીતે વિદ્યા શીખવનાર અધ્યાપક કે પ્રોફેસર યા શિક્ષકની મનોભૂમિકા પણ વિદ્યા આપવાને લાયક છે કે નહીં ? એ પણ તપાસવું એટલું જ જરૂરી છે. આ અંગે પ્રાચીન અનુભવી આચાર્યોએ ઘણા ઘણા વિદ્યાર્થીઓના સંસર્ગમાં આવી તેમની ચિરસ્થિતિનો અભ્યાસ કરી, અમુક જાતનું તારણ કાઢીને જણાવેલ કે વિદ્યાર્થીની અમુક જાતની મનોભૂમિકા હોય તો તે વિદ્યા લેવાનો અધિકારી છે. અને વિદ્યાને શીખવનાર પણ અમુક એક વિશેષ પ્રકારની મનોભૂમિકા ધરાવતો હોય તો તે વિદ્યાને શીખવવાનો અધિકારી છે. જૈન આગમ “શ્રી નંદિસુત્ર'માં અને ‘આવશ્યકસૂત્રમાં આ અંગે ખાસ ચર્ચા આવે છે. આમ તો ‘નંદિસૂત્રનો મુખ્ય વિષય જ્ઞાનની ચર્ચા છે તથા ‘આવશ્યકસૂત્ર'નો મુખ્ય વિષય આવશ્યકની ચર્ચા છે, તેમ છતાં શાસ્ત્રકારે શાસ્ત્રનો પ્રારંભ કરતાં જ વિદ્યાર્થીની અને આચાર્યની કેવી મનોભૂમિકા હોવી જોઈએ એ અંગે કેટલાંક લૌકિક ઉદાહરણો તથા કથાઓ આપીને ઘણી સ્પષ્ટ અને સૌને સમજાય તે રીતે જે હકીકત જણાવેલ છે તે અંગે અહીં સંક્ષેપમાં લખવાની વૃત્તિ છે. વિદ્યા એટલે કેવળ ગોખણપટ્ટી નથી, તેમ કેવળ શુષ્ક વિચારસરણી કે પાઠનું સ્મરણ માત્ર પણ નથી; માનવના જીવનઘડતરમાં વિદ્યાનો અસાધારણ ફાળો છે એટલે જ શાસ્ત્રકારે વિદ્યાર્થી અને આચાર્યની મનોભૂમિકા વિશે ચર્ચા કરેલ છે. શરૂઆતમાં યોગ્ય ને અયોગ્ય વિદ્યાર્થીની મનોભૂમિકા વિશે ચર્ચા આવે છેઃ નરમ કાળી માટી હોય અને તેની ઉપર સાધારણ વરસાદ પડે તોપણ એની અસર કાળી માટીમાં ઊંડે સુધી પહોંચે છે, તે જ રીતે વિદ્યાર્થી નરમ હોય તો જ તેના ઉપર વિદ્યાની અસર ઉત્તમ રીતે થાય છે. નરમ એટલે નમ્ર, સરળ અને આચાર્ય-પ્રોફેસરની વિદ્યાપ્રાપ્તિ સાથે સંબંધ ધરાવતી આજ્ઞાને વશવર્તી હોય, સ્વચ્છંદી નહીં. એટલે વિદ્યાર્થીની મનોભૂમિકા સૌથી પ્રથમ નમ્રતાયુક્ત હોવી જોઈએ. યોગ્ય વિદ્યાર્થીનું પ્રથમ લક્ષણ નમ્રતા છે. એથી ઊલટી ભૂમિકાવાળો વિદ્યાર્થી વિદ્યાપ્રાપ્તિ માટે અયોગ્ય લેખાય છે. જેમ કાળમીંઢ પથ્થર ઉપર ગમે તેટલો વરસાદ પડે તોપણ તે ઉપરથી ભલે પલળેલો દેખાય પણ અંદરથી ભીંજાતો નથી, એ જ રીતે જે વિદ્યાર્થી અત્યંત દુરાગ્રહી, અક્કડ-અભિમાની હોય તે બહારથી ભલે હોશિયાર દેખાતો હોય યા વાચાળ હોય, છતાં તેના ચિત્ત પર વિદ્યાની કોઈ અસર થતી નથી. આ જાતનો વિદ્યાર્થી વિદ્યાની પ્રાપ્તિ માટે યોગ્ય ન ગણાય. ઘડો કાણો હોય, કાંઠા ભાંગેલો હોય, તો તેમાં પાણી બરાબર ટકતું નથી, થોડુંઘણું ટકે પણ સરવાળે તો એ પણ નીકળી જાય છે, તેમ જે વિદ્યાર્થી ચંચળતાને લીધે કાણા કે કાંઠાભાંગલા ઘડા જેવો હોય તેના ચિત્તમાં વિદ્યા સ્થિરપણે જામી શકતી નથી, અને જે થોડીઘણી વિદ્યા મેળવેલી હોય તે પણ સરવાળે - એટલે કે પાસ થવાનું કામ પતે એટલે ચાલી જાય છે. આ જાતનો વિદ્યાર્થી વિદ્યા માટે અયોગ્ય છે. જે ઘડો તદ્દન સારો-તાજો હોય તેમાં પાણી ભરો તો ટીપુંય બહાર જશે નહીં. તેમ જે વિદ્યાર્થી સ્થિરતાવાળો અને એકલક્ષી હોય તેના ચિત્તમાં પડેલી વિદ્યા જીવનપર્યત સ્થિર રહે છે અને જરા પણ નકામી બનતી નથી. આવો વિદ્યાર્થી વિદ્યાપ્રાપ્તિ માટે યોગ્ય ગણાય.. કેટલાક વિદ્યાર્થી ચારણી જેવા હોય છે. જેમ ચારણીમાં ટીપું પણ પાણી ટકી શકે નહીં, તેમ ચારણી જેવા ચંચળ મનનો વિદ્યાર્થી ગુરુ પાસે ભલે કાન દઈને

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161