Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 134
________________ પ્રેરણાની પાવનમૂર્તિ હોય; એ શ્રાવક ૧૮ પાપસ્થાનકોથી ડરનારો હોય; દાન, શીલ, તપ અને શુભ ભાવનામાં પૂર્ણ આસ્થા રાખનારો હોય તથા એની જીવનચર્યા વિવેકપૂર્ણ હોય એ વ્યક્તિ શ્રાવક કહેવાનો અધિકારી છે. દાની : શ્રાવકે દાન આપવામાં ઉત્સાહ રાખવો જોઈએ. એવું દાન કરવું જોઈએ કે જેનાથી એના શરીરનું રોમેરોમ પ્રસન્ન થઈ જાય. સાચા દિલથી કરેલું દાન સાત્ત્વિક હોય છે. સાત્ત્વિક દાનથી આનંદપ્રાપ્તિ થાય છે. દાન કરનારી વ્યક્તિનું જીવન એક હર્યાભર્યા વૃક્ષ જેવું હોય છે. વૃક્ષ પોતાનાં ફળોને પોતે આરોગતું નથી, એ જ રીતે દાની વ્યક્તિ પણ પોતાની સંપત્તિનો ઉપયોગ પરોપકાર માટે કરવો લાભદાયક માને છે. ધનનો મોહ ત્યજી શકે, એ જ દાન કરી શકે. જે બહારનું ધન આપી શકતો નથી, તે આંતરજીવનની સંપત્તિ કઈ રીતે આપી શકશે ? પ્રત્યેક ગૃહસ્થે પોતાની શક્તિ અનુસાર દાન આપવું જોઈએ. ગાયભેંસ આદિનું દૂધ દોહવાનું બંધ કરો, તો એ દૂધ આપવાનું બંધ કરશે. કૂવામાંથી જળ સીંચવાનું બંધ કરો, તો એ દૂષિત થઈ જશે. એ રીતે જે વ્યક્તિ દાન આપતો નથી, તે પોતાને ઘણી મોટી હાનિ કરે છે. પોતાના ધનને ઉત્તમ કાર્યોમાં પ્રયોજનાર ૫૨ લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે. દાન આપ્યા પછી ક્યારેય પસ્તાવું જોઈએ નહીં. લોભી મનુષ્ય દાન આપી શકતો નથી. જંગલમાં જેમ માનવી એકલવાયાપણું અનુભવે છે, એવી જ સ્થિતિ સંસારમાં લોભીની થાય છે. લોકપ્રિય : શ્રાવકે લોકપ્રિય બનવું જોઈએ. કોઈ એમ સવાલ ઉઠાવે કે લોકપ્રિયતાનો વળી ધર્મ સાથે શું સંબંધ ? પરંતુ એમણે ભૂલવું જોઈએ નહીં કે જે વ્યક્તિ સ્વભાવે નમ્ર હોય છે, એ જ સર્વને પ્રિય હોય છે. એને જ બધા ચાહતા હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખ્યું છે, ‘અશાંત વ્યક્તિ ધર્મને સ્પર્શી પણ શકતો નથી. ‘ભાવડે’ શબ્દનો અર્થ : શ્રાવકનો અર્થ આપણે વ્યાપક રીતે કરવો જોઈએ. પંજાબમાં શ્રાવકને ‘ભાવડા’ કહેવામાં આવે છે. ભાવડા એટલે એવા શ્રાવક કે જેના ભાવ ઊંચા હોય, વિશાળ હોય, જે પ્રભુપંથનો પ્રવાસી હોય, જે માનવતાના ગુણોનો ભંડાર હોય અને જે સત્યનો પ્રેમી હોય. આ જ સાચો ભાવડા છે અને એ જ સાચો શ્રાવક છે. ૫ પરિશિષ્ટ-પ માતાપિતાનો ભક્ત : શ્રાવકે મિલનસાર, સહનશીલ અને માતાપિતાના ભક્ત થવું જોઈએ. માતાએ આપણા પર ઘણા ઉપકાર કર્યા છે, પરંતુ લોકો પોતાનાં માતાપિતાના આશીર્વાદ લેતા નથી. તેઓ વાસક્ષેપ લેવા માટે મુનિ મહારાજ પાસે આવે છે, પણ એમનું કાર્ય સિદ્ધ થયા પછી એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવતા નથી. જમાનો બદલાયો નથી, મન બદલાયું છે. આબૂના આચાર્ય શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજની સેવામાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. એમણે કહ્યું હતું, ‘મારે માટે કોઈ આવતા નથી.’ શુદ્ધતા : શ્રાવક-શ્રાવિકાઓએ પોતાનાં ધાર્મિક ઉપકરણોની યોગ્ય સારસંભાળ લેવી જોઈએ. બહેનો લોખંડના કબાટમાં મખમલી ડબ્બામાં ખૂબ સંભાળથી પોતાનાં આભૂષણો રાખે છે, કેટલીક બહેનો તો એમ પણ કહે છે, ‘મહારાજ, આ સાડી મેં વર્ષો પહેલાં ખરીદી હતી, પરંતુ મેં એને એટલી બધી સાચવીને રાખી છે કે જાણે આજે જ ખરીદી હોય તેવું લાગે.’ આ વાત યોગ્ય છે, પરંતુ જો એમની અનાનુપૂર્વી, પંચ પ્રતિક્રમણ કે નવસ્મરણનાં પુસ્તકો જોવામાં આવે, તો એમ લાગે કે કોઈ ભંગારની દુકાનનો માલ છે. આપણે આપણાં કીમતી વસ્ત્રો કરતાં પણ ધાર્મિક ઉપકરણોની સવિશેષ સંભાળ લેવી જોઈએ અને પ્રભાવના આદિમાં આ ઉપકરણો વહેંચવાં જોઈએ. પ્રભાવનાનો અર્થ છે, ‘પરની ભાવના વધે’ અર્થાત્ બીજાની ભાવના પણ ઊર્ધ્વ બને એને પ્રભાવના કહેવાય. બહેનો પૂજામાં રોજ નવી નવી સાડીઓ પહેરીને જાય છે અને એ જ સાડીઓ પહેરીને બજારમાં જાય છે. વિવાહ, લગ્ન અને અન્ય સાંસારિક કાર્યમાં પણ એ સાડીઓ જોવા મળે છે. પૂજાની સાડી તદ્દન શુદ્ધ અને અલગ હોવી જોઈએ. સાડીમાં કાળો રંગ હોવો જોઈએ નહીં. વ્યાખ્યાન આપતી વખતે મને જે વાત યાદ આવે છે, તે કહું છું. ભલે એ કદાચ પ્રસંગોચિત ન પણ હોય. અન્ય ધાર્મિક ઉપકરણો જેટલી જ શુદ્ધિ સાડીની બાબતમાં હોવી આવશ્યક છે. મૌન સાધના : શ્રાવક-શ્રાવિકાઓએ પ્રતિદિન થોડા સમય માટે મૌન રાખવું જોઈએ. ઉપવાસ કરતી વખતે તો મૌન વિશેષ આવશ્યક છે. એનાથી ઘણી શક્તિ સાંપડે છે. ડૉક્ટરોનું કહેવું છે કે એક શબ્દ બોલવાથી પાશેર દૂધની શક્તિ હણાઈ જાય છે. ભગવાન કૃષ્ણએ મૌનનું મહિમાગાન કર્યું છે. મહાત્મા ગાંધીજી પ્રત્યેક સોમવારે મૌનવ્રત રાખતા હતા. મહાત્મા અરવિંદ ઘોષ ચાલીસ ૨૫૭

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161